ભારતીય શેરબજાર આજે એટલે કે, 17 ઑક્ટોબરે ગુરુવારે રેડ ઝોનમાં બંધ થયું હતું.  સ્થાનિક શેરબજાર રોકાણકારોને સતત આંચકા આપી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 221.45 પોઈન્ટ ઘટીને 24,751.65 પર બંધ થયો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 494.75 પોઈન્ટ ઘટીને 81,006.61 પર બંધ થયો હતો. નિફ્ટી 50માં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, પાવર ગ્રીડ, એલએન્ડટી અને એસબીઆઈ ટોપ ગેનર હતા. દરમિયાન, બજાજ ઓટો, શ્રીરામ ફાયનાન્સ, M&M, નેસ્લે ઈન્ડિયા અને હીરો મોટોકોર્પ 17 ઑક્ટોબરના રોજ નિફ્ટી 50માં ટોપ લુઝર તરીકે સામે આવ્યા હતા.


રોકાણકારોના છ લાખ કરોડનું ધોવાણ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના સત્રમાં લગભગ રૂપિયા 463.3 લાખ કરોડથી ઘટીને લગભગ રૂપિયા 457.3 લાખ કરોડ થઈ હતી. આનો અર્થ એ થયો કે રોકાણકારોને એક જ દિવસમાં અંદાજે રૂપિયા 6 લાખ કરોડનું નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે શેરબજારમાં તાજેતરના ઘટાડાનું કારણ ઘણા પ્રતિકૂળ સંજોગો હોઈ શકે છે. આમાં પશ્ચિમ એશિયામાં તણાવમાં તાજેતરનો વધારો, ચીનની જાહેરાતોને પગલે વિદેશી મૂડીનો જંગી પ્રવાહ અને અત્યાર સુધીના બીજા ક્વાર્ટરના પરિણામોનો સમાવેશ થઈ શકે છે.


સેક્ટોરિયલ ઈન્ડેક્સની સ્થિતિ

મળતી માહિતી અનુસાર, નિફ્ટી આઇટી સિવાય, જે 1.19 ટકા વધ્યો હતો, તમામ લોકલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. આમાં નિફ્ટી રિયલ્ટી (3.76 ટકા ઘટીને), ઑટો (3.54 ટકા ઘટીને), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (2.20 ટકા નીચે) અને મીડિયા (2.18 ટકા) ભારે નુકસાન સાથે બંધ થયા. 17 ઑક્ટોબરે બપોરના ટ્રેડિંગ દરમિયાન, SBI સિવાય બેન્ક નિફ્ટીના દરેક શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. HDFC બેંકની સાથે ICICI બેંક અને Axis બેંકમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ અગાઉ ગઈકાલે એટલે કે, 16મી ઑક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 318 પોઈન્ટના ઘટાડા સાથે 81,501 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 86 પોઈન્ટ ઘટીને 24,971 પર બંધ થયો હતો.




Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી. 

  • Follow us on: