ભારતીય શેરબજાર આજે એટલે કે, 18 સપ્ટેમ્બરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. ઓલ-ટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા પછી, બજાર ગબડ્યું હતું. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે તો IT શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટીને 82,948 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 25,377 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિદેશી મૂડીના પ્રવાહ વચ્ચે બુધવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 230.66 પોઈન્ટ વધીને 83,310.32 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 60.05 પોઈન્ટ વધીને 25,478.60 પોઈન્ટની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનનો નિક્કી-225 વધ્યો હતો. મંગળવારે યુએસ બજારો મિશ્ર-જુલ ટ્રી સાથે બંધ થયા હતા. યુએસ ફેડના નિર્ણય પહેલા શેરબજાર સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. જો ફેડ રેટમાં ઘટાડો કરે તો ફરી એકવાર માર્કેટમાં તેજી આવી શકે છે.
ગઈકાલે મંગળવારે શેરબજારમાં તેજી રહી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે સેન્સેક્સ 90 પોઈન્ટના વધારા સાથે 83,079 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 25,418ના સ્તરે બંધ રહ્યો હતો. ઓટો, આઈટી અને એફએમસીજી શેર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. મેટલ અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.