ભારતીય શેરબજાર આજે એટલે કે, 20 સપ્ટેમ્બરે શુક્રવારે મસમોટા વધારા સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 350 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. બીએસઈ સેન્સેકસ પ્રથમવાર 84 હજારના આંકડાને પાર પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી પણ રેકોર્ડ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો.
બેંકિંગ, આઈટી, ઓટો, એનર્જી સ્ટોકમાં દેશી-વિદેશી રોકાણકારોની ખરીદીને લીધે માર્કેટમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલકે સ્ટોક્સમાં ફરી શાનદાર તેજી પરત આવી હતી. આજના છેલ્લા કારોબારી દિવસનું સત્ર સમાપ્ત થતા બીએસઈ સેન્સેક્સ 1,339 અંકોના ઉછાળા સાથે 84,544 અને નિફ્ટી 403 અંકોના ઉછાળા સાથે 25,818.70ના ઓલટાઈમ હાઈ પર બંધ થયું હતું.
સેકટોરિયલ ઈન્ડેકસનું સ્ટેટસ
NSE સેક્ટોરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ 3.05%નો વધારો થયો હતો. આ સમયે, ઓટો સેક્ટરમાં 1.88%, મેટલમાં 1.65%, નાણાકીય સેવાઓમાં 1.58% અને FMCGમાં 1.38% નો વધારો થયો હતો. માત્ર PSU બેંક 0.09% ઘટ્યો હતો.
ગુરુવારે શેરબજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી
અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, ભારતીય શેરબજારે ગઈકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે સળંગ બીજા દિવસે ઓલટાઈમ હાઈ લેવલ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,773ના લેવલને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 25,611ના સ્તરને સ્પર્શ્યો હતો. ત્યારબાદ આ પછી બજાર નીચે આવ્યું અને સેન્સેક્સ 236 પોઈન્ટના વધારા સાથે 83,184 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 38 પોઈન્ટ વધીને 25,415 ના સ્તર પર બંધ થયો. એનર્જી, બેન્કિંગ અને ઓટો શેર્સમાં તેજી રહી હતી.