ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 ઑકટોબર શુક્રવારે સતત બીજા દિવસે તૂટીને ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ 1700થી વધુ પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. ગઈકાલે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે કારોબારના છેલ્લા દિવસે સેન્સેક્સ 400 પોઈન્ટના ઘટાડા સાથે 82,050ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, નિફ્ટી 25,100ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટી રહ્યા છે અને 10 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34 શૅર લાલ નિશાનમાં છે અને 15 શૅર લાલ નિશાનમાં છે. બેન્કિંગ, ઓટો સહિત એનએસઈના તમામ ક્ષેત્રો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો
નિફ્ટીના શેર્સની વાત કરીએ તો, સૌથી વધુ ઘટાડો BPCLમાં 2.51 ટકા, બજાજ ફાયનાન્સમાં 2.34 ટકા, ટ્રેન્ટમાં 2.08 ટકા, એશિયન પેઇન્ટમાં 1.51 ટકા અને હીરો મોટોકોર્પમાં 1.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઓએનજીસીમાં 1.39 ટકા, ટીસીએસમાં 0.79 ટકા, વિપ્રોમાં 0.68 ટકા, એચસીએલ ટેકમાં 0.62 ટકા અને ITCમાં 0.55 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ગુરુવારે બજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 3જી ઑક્ટોબરે શેરબજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,769 પોઈન્ટ 2.10 ટકા ઘટીને 82,497 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી પણ 546 પોઈન્ટ 2.12 ટકા ઘટીને 25,250ના સ્તર પર બંધ થયો હતો. ઓટો, એનર્જી, ફાયનાન્સ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.