ભારતીય શેરબજાર આજે એટલે કે, 23 સપ્ટેમ્બરે સોમવારે ગ્રીન ઝોનમાં ઓપન થયું છે. શુક્રવારે પણ માર્કેટ 1,359 પોઈન્ટ વધીને બંધ થયું હતું. સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે સોમવારે નવા રેકોર્ડ હાઈ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ પહેલા શુક્રવારે પણ સ્થાનિક બજારે નવા ટોચના સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય શેરબજાર આજે રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું હતું. બેન્ચમાર્ક ઇક્વિટી ઈન્ડેક્સ પોઝિટિવ ટ્રેડિંગ સત્રની શરૂઆત કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 0.25% વધીને 25,856.05 પર ખુલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 84,693 પર ખુલ્યો. ટ્રેડિંગની શરૂઆતમાં વ્યાપક ઈન્ડેક્સ લીલા રંગમાં ખુલ્યા હતા. એ જ રીતે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 11 પોઈન્ટ ઘટીને 53,783 પર ખુલ્યો હતો.
આ શેર્સમાં સૌથી વધુ મૂવમેન્ટ જોવા મળી
નિફ્ટી પર ટ્રેડિંગની શરૂઆતમાં, ભારતી એરટેલ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ઓટો, ડિવિસ લેબ્સ અને એમએન્ડએમ મુખ્ય લાભાર્થીઓમાં હતા, જ્યારે ICICI બેન્ક, હિન્દાલ્કો, ઇન્ડસઇન્ડ બેન્ક, HCL ટેક અને એક્સિસ બેન્ક ઘટ્યા હતા.
એશિયન બજારની સ્થિતિ
એશિયા-પેસિફિક ક્ષેત્રના શેરો સોમવારે સવારે પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યા છે. એશિયાનો ડાઉ 0.33%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.68%ના વધારા સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે, દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ 0.04% વધીને ટ્રેડ થઈ રહ્યો છે અને બેન્ચમાર્ક ચાઈનીઝ ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ 0.19%ના વધારા સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે સવારે WTI ક્રૂડના ભાવ 0.69% વધીને 71.49 ડોલર પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.63% વધીને 74.96 ડોલર પર ટ્રેડ થઈ રહ્યા છે.
શુક્રવારે બજારે ઓલટાઈમ હાઈ લેવલ બનાવ્યું હતું
આ અગાઉ શુક્રવાર, 20 સપ્ટેમ્બરે સેન્સેક્સે 84,694 અને નિફ્ટીએ 25,849ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 1359 પોઈન્ટના વધારા સાથે 84,544 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 375 પોઈન્ટનો વધારો થયો હતો, તે 25,790 પર બંધ થયો હતો.