માર્ચ અને એપ્રિલ મહિનામાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને મુખ્ય સુચકાંકો આ બન્ને મહિના દરમિયાન તેમના તાજેતરના તળિયાથી આશરે 10 ટકા જેટલા વધ્યા છે.
જોકે સુચકાંકોમાં 10 ટકાનો વધારો થયો હોવા છતાં આ બન્ને મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ને આના કરતાં વધારે એટલે કે 14 ટકા જેટલું વળતર મળ્યું છે, જેના માટે રૂપિયામાં આવેલી આશરે ત્રણ ટકાથી વધારે મજબૂતાઇ જવાબદાર છે.
એક અગ્રણી ખાનગી બેંકના અહેવાલ અનુસાર બીજી મેની સ્થિતિએ છેલ્લા બે મહિનામાં એફપીઆઇને ભારતીય શેરબજારમાં મળેલા વળતરની ટકાવારી 14 ટકા છે, જે કોવિડ મહામારી પછી એફપીઆઇને કોઇ પણ બે મહિનામાં મળેલું સૌથી વધારે વળતર છે. શેરબજારના મુખ્ય સુચકાંકોમાં થયેલા 10 ટકાથી થોડા વધુ વધારાની તુલનાએ એફપીઆઇને 14 ટકા વળતર મળ્યું તે માટે આ સમયગાળા દરમિયાન રૂપિયો ડોલર સામે ત્રણ ટકાથી વધુ મજબૂત બન્યો તે બાબત જવાબદાર છે એમ આ અહેવાલ જણાવે છે.
સપ્ટેમ્બર, 2024થી ફેબ્રુઆરી, 2025 દરમિયાન રૂપિયાના મૂલ્યમાં ડોલર સામે નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે એફપીઆઇને આ સમયગાળા દરમિયાન ભારતીય શેરબજારમાંથી જે કોઇ કમાણી થઇ હોય તેમાં વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. એફપીઆઇ ભારતીય શેરબજારમાં વેચાણ કરે તેમાંથી તેમને જે આવક થાય તે રૂપિયા સ્વરૂપે થાય છે. આથી રૂપિયો ડોલર સામે નબળો પડે તો તેઓ તેમની આવકને ડોલરમાં પરિવર્તિત કરે ત્યારે ઓછા ડોલર મળે છે. આનાથી વિપરીત જો રૂપિયો મજબૂત બને તો તેમને આવક ડોલરમાં પરિવર્તિત કરાવવાથી વધુ ડોલર મળે છે. સપ્ટેમ્બર, 2024થી ફેબ્રુઆરી, 2025ના સમયગાળામાં ટ્રમ્પની જીતને કારણે ડોલર મજબૂત બનતા, ક્રુડના ભાવમાં વધારા, ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર નબળો પડતા, ફુગાવામાં વધારો, બેકિંગ સિસ્ટમમાં તરલતાની તંગ સ્થિતિ વગેરે જેવા પરિબળોને કારણે રૂપિયો નબળો પડયો હતો. જોકે તે પછી રેસિપ્રોકલ ટેરિફને પગલે ડોલર નબળો પડતા, વિશ્વનું અર્થતંત્ર મંદ થશે એવી ભીતીએ માંગ ઘટે એવી શક્યતાને કારણે ક્રુડમાં પણ ઘટાડો જોવા મળતાં અને ફુગાવાનો દર નિયંત્રણમાં આવતા છેલ્લા બે મહિનામાં રૂપિયો મજબૂત થયો હતો.