એલન મસ્કની માલિકીની ટેસ્લાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન સતારામાં પોતાના ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) સીકેડી (કમ્પ્લિટલી નોક્ડ ડાઉન) એસેમ્બિલ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ શરૂ કરી છે.
એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોએ આપી હતી. ટેસ્લાએ આ અગાઉ આ હેતુ માટે હૈદ્રાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ સાથે જે વાટાઘાટો કરી હતી, તે નિષ્ફળ જતાં હવે સતારામાં આ એકમ માટે જમીન શોધી રહી છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
હાલમાં ટેલ્સાએ આ એકમ સ્થાપવા માટે જમીન સંપાદન કરવા અને તેની પર બાંધકામ કરવા માટે એક જોઇન્ટ વેંચર અંગે અન્ય એક ભારતીય કંપની સાથે વાટાઘાટો કરી રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ યુએસની આ કાર ઉત્પાદક કંપની ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધીમાં ભારતના બજારમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. કંપનીએ ભારતમાં આયાતી કારના વેચાણ માટે મુંબઇ તથા દિલ્હીમાં શો રૂમ માટે જગ્યાની પસંદગી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે જ ટેસ્લાના ભારત ખાતેના વડા પ્રશાંત મેનને પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું અને હવે ટેસ્લાના ભારત ખાતેના આગામી કારોબાર પર ટેસ્લાની ચીન ખાતે કાર્યરત ટીમ દેખરેખ રાખશે એમ માનવામાં આવી રહ્યું છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે ટેસ્લાને પુણે નજીક ચાકન અને ચીખલીમાં જમીન આપવાની ઓફર કરી હતી. ચાકન એ ભારતના સૌથી મોટા ઓટોમોબાઇલ હબ પૈકીનું એક છે અને અહીં ઘણી વૈશ્વિક વાહન ઉત્પાદક કંપનીઓ જેવી કે મર્સિડિઝ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોક્સવેગન અને બજાજ ઓટો પોતાનો પ્લાન્ટ ધરાવે છે.
સીકેડી યુનિટ એટલે શું? । કોઇ પણ વિદેશી કંપની કોઇ એક દેશમાં પોતાના વાહનોના વિવિધ પાર્ટ્સની આયાત કરી આ પાર્ટ્સમાંથી ફિનિશ્ડ વાહનનું ઉત્પાદન કરવા માટે જે એકમનો ઉપયોગ કરે તેને સીકેડી યુનિટ એટલે કે કમ્પ્લિટલી નોક્ડ ડાઉન યુનિટ કહે છે. આવું યુનિટ સ્થાપીને સ્થાનિક સ્તરે વાહનોનું એસેમ્બ્લિંગ કરવા પાછળનો હેતુ આયાત ડયુટી ઓછી લાગે તે સુનિશ્ચીત કરવાનો હોય છે.
ટેસ્લાના ભારતમાં પ્રવેશ પરની ગતિવિધિ પર એક નજર
ટેસ્લાએ ભારતના દિલ્હી અને મુંબઇમાં ઇમ્પોર્ટેડ કારના વેચાણ માટે શો રૂમની જગ્યાની પસંદગી કરી લીધી છે
ગ્હાલમાં સતારા ખાતે સીકેડી યુનિટની સ્થાપના માટે જોઇન્ટ વેંચરની સ્થાપના કરવા કંપની એક ઓછી જાણીતી પરંતુ વિશ્વસનીયતા ધરાવતી રિઆલ્ટી કંપની સાથે વાટાઘાટો કરી રહી છે
ટેસ્લમાં ભારતમાં પ્રવેશ કરીને જગુઆર અને લેમ્બોરગિની જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાનો ઇરાદો ધરાવે છે
હાલમાં ટેલ્સાએ ભારતમાં મિડ લેવલ જોબ માટે આશરે 24 પદાધિકારીઓની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે