યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના સતત ધોવાણને પગલે આયાત મોંઘી થતાં ફુગાવાનો દર વધશે એવી ભીતિ ઊભી થઇ છે. નિષ્ણાતો આને ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન ગણાવે છે.
આ ઉપરાંત ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) પણ વધશે એવો ભય છે. જોકે રૂપિયાનૂં મૂલ્ય ઘટતા એક્સપોર્ટની આવક વધવાની હોવાથી સીએડીમાં વધારો સીમિત રહેશે એવું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક ઉત્પાદકોને આયાતી માલ સાથે જે સ્પર્ધા કરવી પડે છે તેમાં પણ ઘટાડો થશે કારણ કે રૂપિયો ઘટતા આયાતકારોના કારોબારનું કદ ઘટી શકે છે. જોકે બીજી તરફ સ્થાનિક ઉત્પાદકોને આયાતી કાચો માલસામાનનો ભાવ વધતાં તેમની પડતર કિંમત વધી શકે છે. આયાતી કાચા માલસામાનની કિંમત વધતાં જથ્થાબંધ ફુગાવાનો દર વધી શકે છે અને ઉત્પાદકો પડતર કિંમતમાં વધારો ગ્રાહકો પર પાસ ઓન કરવાના હોવાથી અંતે રિટેલ ફુગાવાનો દર પણ સમયાંતરે વધે છે.
ઓક્ટોબરથી અત્યાર સુધીમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 4 ટકા જેટલો ઘટયો છે, જ્યારે 2025માં અત્યાર સુધીમાં આ ઘટાડો 2 ટકા જેટલો રહ્યો છે. સોમવારે રૂપિયાએ ઇન્ટ્રા ડેમાં 87.9550ની ઓલટાઇમ લો સપાટી બનાવી હતી. ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવી ડયુટી લાદવાનો ઇરાદો રવિવારે વ્યક્ત કર્યો તેના પગલે રૂપિયામાં આટલું ધોવાણ થયું હતું. નિષ્ણાતોના મતે હાલમાં જે વૈશ્વિક અનિિૃતતાઓ ઊભી થઇ છે અને ભારતીય શેરબજારમાં જે પ્રકારે વિદેશી ફંડો તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતાં વર્ષ 2025ના અંતે સુધીમાં રૂપિયો વધુ ઘટીને 89ની સપાટીએ પહોંચી જાય તો નવાઇ રાખવા જેવું નથી. ખુદ આરબીઆઇએ કરેલી ગણતરી મુજબ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 5 ટકાનો ઘટાડો થાય તો તેના કારણે રિટેલ ફુગાવાના દરમાં 30થી 35 બેસિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે. આરબીઆઇએ વર્ષ 2025-26માં રૂપિયાનું સરેરાશ મૂલ્ય 87 અને રિટેલ ફુગાવાનો દર સરેરાશ 4.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
રૂપિયાનું ધોવાણ થાય એટલે સૌથી મોટી ચિંતાનો વિષય ક્રુડની આયાતનું બિલ છે. ભારત તેની ક્રુડની જરૂરિયાતને સંતોષવા માટે 85 ટકા જેટલા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. બીજુ પોલિમર અને પેટ્રોકેમિકલના વપરાશકારોને પણ આના કારણે વધુ ભાવ ચુકવવા પડશે કારણ કે તેમના ભાવ પણ ક્રુડની આયાતના ભાવ પર જ નિર્ભર કરે છે. પેટ્રોલિમય પ્રોડક્ટ ઉપરાંત હીરા અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના આયાતકારોને સૌથી વધુ સહન કરવાનો વારો આવે એવી શક્યતા છે કારણ કે દેશની કુલ આયાતમાં આ ત્રણેય ચીજવસ્તુઓનો હિસ્સો 40 ટકા જેટલો છે. આ ત્રણે ક્ષેત્રે પડતર કિંમત વધતા અંતે તો રિટેલ ફુગાવામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત આયાતી ખાતરના ભાવ પણ વધી શકે છે. ભારત ખાતરની જરૂરિયાત સંતોષવા માટે પણ મોટા પાયે આયાત પર નિર્ભર છે.