એપ્રિલના પ્રારંભે મોટા કડાકા પછી ભારતીય શેરબજારમાં શરૂ થયેલી તેજી એટલી વ્યાપક છે કે એપ્રિલ મહિનામાં વધનારા શેરની સંખ્યા ઘટનારા શેરની સંખ્યા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં આગળ નીકળી ગઇ છે.
આ બન્ને વચ્ચેનો તફાવત છેલ્લા 16 વર્ષમાં જોવા મળેલો સૌથી મોટો તફાવત છે. હાલમાં એપ્રિલ મહિનામાં એડવાન્સ-ડિક્લાઇન રેશિયો 1.59 ટકા છે. અગાઉ આટલો ઊંચો રેશિયો છેલ્લે મે, 2009માં જોવા મળ્યો હતો. જોકે હજી પણ વૈશ્વિક અનિિૃતતાઓ અને વૈશ્વિક બજારોમાં અફરાતફરીના માહોલ વચ્ચે એપ્રિલ મહિનામાં હજી છ સેશન યોજાવાના બાકી છે, ત્યારે મહિનો પૂરો થયે કેવી સ્થિતિ રહેશે તે તો સમય કહેશે.
ચાલુ મહિનામાં 22 તારીખે બીએસઇ પર લિસ્ટેડ 2,752 શેરના બંધ ભાવ તેમના 28મી માર્ચના બંધ ભાવથી ઉપર છે, જેની તુલનાએ 1,731 શેરના બંધ ભાવ માર્ચના છેલ્લા સેશનની તુલનાએ ઓછા છે. વૈશ્વિક બજારોમાં અફરાતફરી છે ત્યારે પણ આટલી મજબુત પોઝિટિવ બ્રેથ જોવા મળી છે એ ભારતીય શેરબજાર માટે એક સારો સંકેત છે. ઓક્ટોબર, 2024માં ભારતીય શેરબજારમાં મંદીનો તીવ્ર તબક્કો શરૂ થયો તે પછી પહેલીવાર માર્કેટ બ્રેથની દ્રષ્ટિએ આટલી સારી રિકવરી જોવા મળી છે. અગાઉ ફેબ્રુઆરી, 2025માં એડવાન્સ ડિક્લાઇન રેશિયો 0.72ની માર્ચ, 2020 પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. વધુ મહત્ત્વની વાત એ છે કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2જી એપ્રિલે ભારત સહિત વિશ્વના વિવિધ દેશો પર રેસિપ્રોકલ ડયુટી લાદવાની જાહેરાત કરી તે પછી સાતમી એપ્રિલ ભારતીય શેરબજારના સુચકાંકો જુન, 2024 પછીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. જે પછી નવમી એપ્રિલે આ ટેરિફમાં રાહતની જાહેરાત કરવામાં આવી તે પછી ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને તેમાં પણ આ તેજી ખૂબ જ વ્યાપક છે. આ તેજી દરમિયાન તમામ ક્ષેત્રના સેક્ટોરલ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે અને સૌથી વધારે તેજી નોંધવનારો ઇન્ડેક્સ બેંક નિફ્ટી તો એપ્રિલ મહિનની તેની લો સપાટીથ 13 ટકા જેટલો વધ્યો છે.