જીએસટી કાઉન્સિલની મિટિંગની તારીખ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે ત્યારે આ બેઠક દરમિયાન કાઉન્સિલ જીએસટીના દરોને વાજબ સ્તરે લાવવા અને કોમ્પેનશેસન સેસના ભાવિ અંગે વિચારણા કરશે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી. જીએસટીના દરને વાજબી સ્તરે લાવવા અંગેનો રિપોર્ટ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે સુપરત કરી દીધો છે અને આ દરોને સરળ બનાવવા માટે ત્રણથી ચાર ઉપાયોનું સુચન કરવામાં આવ્યું છે. હવે રાજ્યોને વિચારણા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યા પછી આ બેઠક બોલાવવામાં આવશે.
આ અગાઉ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ જીએસટી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં મળી હતી, પરંતુ તેમાં જીએસટીના દરને વાજબી સ્તરે લાવવા અંગે કે લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પરના જીએસટી દરમાં ઘટાડો કરવા કે તેને રદ કરવા અંગે કોઇ ચર્ચા થઇ ન હતી. જીએસટી દરોને વાજબી સ્તરે લાવવા માટે વિચારણા કરવા માટે નીમવામાં આવેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના સંયોજક તરીકે બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સમ્રાટ ચૌધરીની નિયુક્તિ થઇ છે. 2026 પછી કોમ્પેનશેશન સેસનું શું કરવું તે અંગે નિર્ણય લેવા માટે એક અન્ય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ નીમવામાં આવ્યું છે જેના વડા કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી છે. હાલમાં આ સેસ માત્ર લકઝરી માલસામાન પર જ લાદવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કોવિડના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારોને આવકમાં જે નુકસાન થયું છે તેની ભરપાઇ કરવા માટે જ કરવામાં આવે છે. હવે આ અંગે નીમવામાં આવેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સેસમાંથી મળતી આવકને અન્ય કઇ રીતે જાળવી રાખવી અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તેની વહેંચણી કેવી રીતે કરવી તેનો અભ્યાસ કરી રહ્યું છે.










