ભારતના સામાન્ય નાગરિકો પોતાની સારવાર માટે મોટા ભાગે સરકારી દવાખાના અને હોસ્પિટલો પર આધાર રાખે છે, ત્યારે હકીકત એ છે કે દેશના કેટલાક રાજ્યોમાં જાહેર આરોગ્ય વ્યવસ્થા દવાઓ અને ડાયગ્નોસ્ટિક સેવાઓની ઉપલબ્ધિમાં મોટી ઊણપ ધરાવે છે.
દેશમાં ચેપી અને બિનચેપી રોગોના કેસ વધી રહ્યા છે ત્યારે જરૂરિયાત મુજબ ઉપલબ્ધિ ન હોવાના કારણે મોટું જોખમ ઊભું થયું છે. સરકારી ગાઇડલાઇન્સ મુજબ દેશના સંખ્યાબંધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ સ્તરની સરકારી હોસ્પિટલો અને દવાખાનામાં જેટલા પ્રકારની દવાઓ ઉપલબ્ધ હોવી જોઇએ, તેની તુલનાએ જે દવાઓ ઉપલબ્ધ છે, તેની સંખ્યા જરૂરિયાત કરતા 40 ટકા જેટલી ઓછી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો જિલ્લા સ્તરની હોસ્પિટલમાં કુલ 375 પ્રકારની આવશ્યક દવાઓ હોવી જોઇએ, પરંતુ આના બદલે ઉપલબ્ધ દવાઓની સંખ્યા 150થી ઓછી છે એટલે કે સારવાર માટે જરૂર પડે તો 225 પ્રકારની દવા ઉપલબ્ધ જ નથી. આવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યોમાં સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તરપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહાર વગેરે જેવા અગ્રણી રાજ્યોનો સમાવેશ થાય છે એવી માહિતી કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લેવાની શરતે આપી હતી. આના કારણે જ્યારે કોઇ નાગરિક સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં દવા લેવા જાય ત્યારે ચોક્કસ દવા ઉપલબ્ધ ન હોવાથી તેને આવી દવા બહારથી લેવાની ફરજ પડે છે અને કેન્દ્ર સરકારની યોજનાના મૂળભૂત હેતુ મુજબ નાગરિકોને વિનામૂલ્ય સારવાર મળતી નથી અને ઉલ્ટાનો આર્થિક બોજો ભોગવવો પડે છે.
હાલમાં ડ્રગ્સ એન્ડ વેકસિન્સ ડિસ્ટ્રીબ્યુટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (ડીવીડીએમએસ) હેઠળના ડાયગ્નોસ્ટિક મોડયુલના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ડાયગ્નોસ્ટિક રિએજન્ટ્સ અને કન્ઝયુમેબલ્સ ઉપલબ્ધિ પર નજર રાખવામાં આવી રહી છે. ડીવીડીએમએસ એ એક આઇટી એપ્લિકેશન છે કે જે એફડીએસઆઇના અમલીકરણ માટે પ્લેટફોર્મ બનાવે છે અને સાથે સાથે દવાઓ, સ્યુચર્સ અને સર્જિકલ આઇટમ્સનો સપ્લાય દેશના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડ્રગ વેરહાઉસમાં યોગ્ય સ્તરે જળવાઇ રહે તેની પર દેખરેખ રાખી તેને સુધારે છે.
સરકારની ગાઇડલાઇન્સ મુજબ કોઇ પણ જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલમાં 375 આવશ્યક દવાઓ હોવી જોઇએ જેમાં એન્ટિ-ઇફેક્ટિવ્સ, કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિન્સ, એન્ટિ ડાયેબિટિક્સ મેડિસિન્સ, એન્ટિડિપ્રેસન્ટ્સ, પેઇન રિલિવર, એન્ટિ નિયોપ્લાસ્ટિક ડ્રગ્સ, વિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સ અને એન્ટિકોનવુલ્સન્ટ્સ વગેરે સમાવિષ્ટ છે.
આ ઉપરાંત, જાહેર આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્ય દવા આપવાની જોગવાઇ ધરાવતી કેન્દ્રની મહત્ત્વપૂર્ણ યોજનાઓ અંગે નાગરિકોમાં જાણકારીનો અભાવ છે એ અંગે પણ કેન્દ્ર સરકારએ આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી અસંતોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે 7મી મેના રોજ એક પત્ર લખી આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) અંતર્ગત દવાઓ અને અન્ય ડાયગ્નોસ્ટિક સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવાની જે પહેલ (એફડીએસઆઇ) શરૂ કરવામાં આવી છે તેના અમલીકરણમાં કેટલીક ક્ષતિઓ રહી ગઇ છેે. સૌપ્રથમ તો ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ (આઇપીએચએસ) મુજબના નેશનલ એસેન્શિયલ ડ્રગ્સ એન્ડ ડાયગ્નોસ્ટિક લિસ્ટની તુલનાએ જાહેર આરોગ્ય કેન્દ્રમાં આ પહેલ હેઠળ દવાઓ અને ડાયગ્નોસ્ટિક સેવાઓની સરેરાશ સંખ્યા અંગે જાહેર કરવામાં આવેલા રાજ્યોના નોટિફિકેશનમાં કેટલાક બાબતો રહી ગઇ છે. આ ઉપરાંત રાજ્ય સરકારોએ આ અંગેનો જે ડેટા કેન્દ્રને મોકલ્યો છે અને સરકારની મોનિટરિંગ સિસ્ટમના ડેશબોર્ડમાં જે ડેટા અપડેટ કરવામાં આવ્યો છે તેમાં પણ તફાવત છે એવુ પણ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને આ પત્રમાં જણાવ્યું છે. જોકે આ અધિકારીએ જણાવ્યું હતું કે ડેટામાં જે તફાવત છે તે ચિંતાનો વિષય નથી.
સરકારે લખેલા પત્ર મુજબ દેશના ક્યા રાજ્યોમાં દવાઓની ઉપલબ્ધિ જરૂરિયાતથી 40 ટકા ઓછી
છત્તીસગઢ, કેરળ, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, દાદરા અને નગરહવેલી, દમણ અને દીવ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, સિક્કીમ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ.