વીતેલા એપ્રિલ મહિના દરમિયાન વૈશ્વિક બજારમાં પ્રતિ ઔંસ 3,123 ડોલરની સપાટીથી વધીને સોનું 3,276 ડોલર થયું છે.

આમ સોનાએ આ મહિનામાં 4.91 ટકાનું વળતર આપ્યું છે. બીજી તરફ ક્રૂડમાં વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં એપ્રિલ દરમિયાન 18.08 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ ભાવ પ્રતિ બેરલ 76.07 ડોલરથી ઘટીને 62.32 ડોલર થયા છે.

એપ્રિલ મહિનામાં સેન્સેક્સમાં 3.65 ટકાનો અને નિફ્ટીમાં 3.5 ટકાનો વધારો નોંધાયો છે ત્યારે આ મહિનામાં સેકટોરલ ઇન્ડેક્સમાં સૌથી સારી કામગીરી નિફ્ટી બેંકની રહી છે અને આ ઇન્ડેક્સ 6.8 ટકા વધ્યો છે. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડક્સ 6 ટકાના વધારા સાથે બીજા ક્રમે જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ 5.3 ટકાના વધારા સાથે ત્રીજા ક્રમે આવે છે. સૌથી વધારે ઘટાડો નોંધાવનારા ઇન્ડેક્સમાં 5.8 ટકાના ઘટાડા સાથે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પ્રથમ ક્રમે જ્યારે 3 ટકાના ઘટાડા સાથે નિફ્ટી આઇટી બીજા ક્રમે આવે છે

એપ્રિલ દરમિયાન સૌથી વધારે વધારો નોંધાવનારા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક 29 ટકાના વધારા સાથે પ્રથમ ક્રમે છે જ્યારે 16.4 ટકાના વધારા સાથે ટાટા કન્ઝયુમર બીજા અને 15.3 ટકાના વધારા સાથે એટર્નલ ત્રીજા ક્રમે આવે છે. બીજી તરફ સૌથી વધુ ઘટનારા શેરોમાં 9.2 ટકાના ઘટાડા સાથે ટાટા સ્ટીલ પ્રથમ, 8.5 ટકાના ઘટાડા સાથે હિંદાલકો બીજા અને 7.9 ટકાના ઘટાડા સાથે વિપ્રો ત્રીજા ક્રમે આવે છે.