સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી)એ જાહેર કરેલા એક અહેવાલ મુજબ ભારતના એમએસએમઇ ક્ષેત્ર અંતર્ગત કાર્યરત એકમનો અવકાશ મુજબ કારોબારની વૃદ્ધિ માટે લોનની જે જરૂરિયાત છે.
આવી જરૂરિયાત સામે લોન માટે ઉપલબ્ધ ભંડોળ વચ્ચે આશરે રૂ. 30 લાખ કરોડનો તફાવત છે. આના કારણે આ ક્ષેત્રનો વિકાસ રુંધાય રહ્યો છે અને સંબંધિત એકમો વધુ રોજગારી ઊભી થવામાં પણ અંતરાય ઊભો થાય છે. ઉલ્લેખનીય છે કે એસએમએસઇ સેકટર જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપનારા અને સૌથી વધુ રોજગારી આપનારા ક્ષેત્રો પૈકીનું એક છે.
અહેવાલ વધુમાં જણાવે છે કે એસએમએસઇ હેઠળના કેટલાક ખાસ પ્રકારના ઔદ્યોગિક એકમો જેવા કે સર્વિસ સેકટર અને મહિલાઓની માલિકીના એકમો લોન મેળવવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી ધિરાણની ઉપલબ્ધિ અને માંગ વચ્ચેના આટલા મોટા તફાવતને દુર કરવા માટે સરકાર દ્રારા ક્ષેત્ર આધારિત દરમિયાનગીરી કરે એવી નીતિવિષયક પહેલ કરવામાં આવે એ સમયની માંગ છે. સાથે સાથે સિડબીએ આ ક્ષેત્રે ધિરાણનો પ્રવાહ વધારવા માટે ડિજિટલ લેન્ડિંગની પ્રથા મોટો ભાગ ભજવી શકે છે એવો મત પણ આ અહેવાલમાં વ્યક્ત કર્યો છે.
અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન એમએસએમઇ સેકટર : પ્રોગ્રેસ એન્ડ ચેલેન્જિસ - નામના આ અહેવાલમાં સિડબી જણાવે છે કે રેડિમેડ ગાર્મેન્ટ્સ, ગ્રોસરી રિટેલર્સ, ફુડ પ્રોસેસિંગ એકમો અને આઇટ તથા આઇટી એનેબલ્ડ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં લોનની જરૂરિયાત અને ઉપલબ્ધ પ્રવાહ વચ્ચેનો તફાવત ઘણો જ મોટો છે. આથી આવા ક્ષેત્રોની લોનની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તે માટે ખાસ પ્રકારના નીતિવિષયક નિર્ણયો લેવા અનિવાર્ય બની જાય છે.
એકમો ઊંચા વ્યાજે લોન લેવા મજબૂર
રિપોર્ટ એમ પણ જણાવે છે કે પર્યાપ્ત માત્રામાં ધિરાણ ઉપલબ્ધ ન હોવાથી કેટલાક એકમો બિનસત્તાવાર રીતે ધિરાણ કરતી કંપનીઓ પાસેથી ધિરાણ લેવા મજબૂર પણ બની જાય છે. આવી કંપનીઓ 12 ટકાના દરે વ્યાજ વસુલે છે, જેની તુલનાએ નાના એકમોને બેંકો દ્રારા 3 ટકાના દરે અને મધ્યમ એકમોને 2 ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે.
90 ટકા એકમો ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે, પરંતુ ડિજિટલ લેન્ડિગનો લાભ લેનારા માત્ર 18 ટકા
એસએમએમઇ ક્ષેત્રની ધિરાણની જરૂરિયાત અંગે જાણકારી મેળવવા સિડબી દ્રારા એક સર્વે પણ હાથ ધરાવમાં આવ્યો હતો, જે અંતર્ગત પ્રતિક્રિયા આપનારા આવા એકમોના માલિકોમાંથી 90 ટકાએ એમ જણાવ્યું હતું કે તેઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે, પરંતુ આમાંથી ડિજિટલ લેન્ડિંગ દ્રારા ધિરાણ મેળવનારાની ટકાવારી માત્ર 18 ટકા જ હતી. આ બાબત ડિજિટલ લેન્ડિંગ માટે આ ક્ષેત્રમાં ઘણો અવકાશ છે એ હકીકતને ઉજાગર કરે છે.
સરકારી તંત્રની હેરાનગતિની બીકે 35 ટકા એકમો નોંધણી વગરના
સર્વેમાં ભાગ લેનારા એકમોના માલિકોમાંથી 35 ટકાએ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. રજિસ્ટ્રેશન ન કરાવવા પાછળનું એક મોટું કારણ એ છે કે તેમનામાં જાણકારીનો અભાવ છે અથવા તો તેઓ સરકારી તંત્ર દ્વારા લાઇસન્સ તથા અન્ય નિયમોના આધારે જે રીતે હેરાન કરવામાં આવે છે તેના કારણે રજિસ્ટ્રેશન કરવાનું ટાળે છે.