યુએસએ લાદેલા ટેરિફ બોમ્બ પછી ચીને પણ વળતા પ્રહારરૂપે શુક્રવારે યુએસમાંથી થતી આયાત પર 34 ટકાની ડયૂટી લાદતા ટ્રેડ વોર હવે વધુ વકરશે એવી ભીતિને પગલે વૈશ્વિક અર્થતંત્ર મંદ પડશે એવી શક્યતા ઊભી થઇ હતી.


આવી શક્યતાથી ઓઇલની માંગ ઘટે એ સ્વાભાવિક છે અને સાથે સાથે આ જ દિવસે ઓઇલનું ઉત્પાદન કરતાં સંગઠન ઓપેકે પહેલા કરેલી જાહેરાતથી વધુ પ્રમાણમાં મે મહિનાથી ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવાની જાહેરાત કરતાં ક્રૂડના ભાવ 3 ટકાથી પણ વધુ કડાકા સાથે 2021ના મધ્ય ભાગ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. આના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકાય એવી સાનુકૂળ સ્થિતિ તો ઊભી થઇ છે, પરંતુ તેને માટે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કેન્દ્ર સરકાર આવી રીતે ભાવ ઘટાડો કરવા માટે છુટ આપે એ જરૂરી છે. કેન્દ્ર સરકાર જોકે દેશમાં ઇંધણના વેચાણમાંથી વેરા પેટે મોટી આવક થતી હોવાથી ભાવ ઘટાડવાની તરફેણમાં નથી એ પણ એક હકીકત છે. શુક્રવારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 5.6 ડોલર એટલે કે 7.9 ટકા ઘટીને 64.6 ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું. અગાઉ બ્રેન્ટ ક્રૂડે 64.2 ડોલરની ઇન્ટ્રા ડે લો સપાટી પણ બનાવી હતી. યુએસ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ પણ પ્રતિ બેરલ 5.9 ડોલર એટલે કે 8.8 ટકા ઘટીને 61 ડોલર પર પહોંચ્યુ હતું. આ ભાવ જુન, 2021 પછીની એટલે કે છેલ્લા ચાર વર્ષની સૌથી નીચી સપાટી છે.

હાલમાં મોંઘવારીનો માર સહન કરતી ભારતની સામાન્ય પ્રજા માટે ક્રૂડના ભાવમાં આવા તીવ્ર કડાકાને કારણે પેટ્રોલ અને ડીઝલમાં થોડી રાહત મળે એવી સોનેરી તક ઊભી થઇ છે. હકીકતમાં એપ્રિલ, 2024થી ક્રૂડના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે, તેમ છતાં છેલ્લી વાર 14મી માર્ચ, 2024ના રોજ લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 2નો ઘટાડો કરવામાં આવ્યો તે પછી એટલે કે છેલ્લા બાર મહિનામાં આ ભાવ એક પણ વાર ઘટાડવામાં આવ્યા નથી. એ અગાઉ પણ છેક 22 મે, 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડયૂટી ઘટાડી તેના કારણે ઇંધણના ભાવ ઘટયા હતા. આમ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર બે જ વાર ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ક્રૂડના ભાવ અત્યારે જ નીચા ગયા છે એવું નથી. એપ્રિલ, 2024માં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 82 ડોલરની આસપાસ હતા, ત્યાર પછી જુન અને સપ્ટેમ્બરમાં થોડા સમય માટે વધારાની ચાલને બાદ કરતાં એકદંરે આ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં પણ આ ભાવ 71 ડોલરે પહોંચ્યા પછી વધ્યા હતા. આમ એપ્રિલ, 2024ની સરખામણીએ હાલમાં આ ભાવમાં પ્રતિ બેરલ 18 ડોલરનો ઘટાડો થયો છે એવું કહી શકાય. આમાં 10 ડોલરનો ઘટાડો તો ઘણા સમયથી નોંધાયેલો છે, છતાં સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડતી નથી. થોડા સમય પહેલા કેન્દ્રિય ઓઇલ પ્રધાન હરદીપ સિંહ પુરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે ઘટાડો કરાશે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે બહુ ચતુરાઇપૂર્વક જવાબ આપતા જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં ઘટાડાની અપેક્ષા વાજબી છે પરંતુ જ્યારે ક્રૂડના ભાવમાં ઘટાડાની ચાલ જળવાશે ત્યારે

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ અંગે નિર્ણય લેશે. હવે હાલમાં નોંધાયેલા ઘટાડા પછી ફરી મોટો વધારો થાય એવી શક્યતા નજીકના ભવિષ્યમાં તો લાગતી નથી ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આવો ઘટાડો કરે એ સમયની માંગ છે.


  • Follow us on: