પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયાં તેના પાંચ દિવસ પછી એટલે કે 27મી એપ્રિલે પાકિસ્તાને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જે કંપનીમાં બહુમતિ હિસ્સાની માલિકી ધરાવે છે એવી ક્રિપ્ટો કરન્સિ કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ્સ માટે લાલ જાજમ બિછાવી હોવાના અહેવાલ છે.
વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સિયલ (ડબ્લ્યુએલએફ) નામની યુએસ સ્થિત કંપનીના ટોચના પદાધિકારીઓનું એક પ્રતિનિધીમંડળ તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાતે આવ્યું હતું. આ કંપની એક ડિસેન્ટ્રલાઇઝડ ફાયનાન્સ પ્લેટફોર્મ તરીકે કાર્યરત છે અને તેમાં ટ્રમ્પના પરિવારનું હોલ્ડિંગ 60 ટકાથી વધારે છે. આ પ્રતિનિધીમંડળના સભ્યોમાં ઝેચેરી ફોકમેન, ચેઝ હેરો અને ઝેચેરી વિટકોફનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આ મુલાકાત દરમિયાન આ પ્રતિનિધીમંડળે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (પીસીસી) સાથે એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ લેટર ઓફ ઇન્ટેન્ટનો હેતુ પાકિસ્તાનમાં બ્લોક ચેઇનનો ઉપયોગ વધારવા માટે પ્રયત્નો કરવાનો છે. પાકિસ્તાનના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ પ્રતિનિધી મંડળના સભ્યો જ ડબ્લ્યુએલએફનું સંચાલન કરે છે અને તેમણે પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પાકના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ અશિમ મુનિરની પણ મુલાકાત લીધી હતી.
