યુકે સાથેનું ટ્રેડ ડિલ પાર પડતાં યુએસની રેસિપ્રોકલ ટેરિફથી ચિંતિંત થયેલા ભારતીય નિકાસકારોને હવે મોટી રાહત થઇ છે. આ ડિલ અંતર્ગત સંખ્યાબંધ ક્ષેત્રોની નિકાસને ઝીરો ડયુટીનો લાભ મળવાનો છે.
જેના કારણે યુકેના બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધતાં હવે આ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થાય એવી શક્યતા છે. આ ઉપરાંત યુકે સાથેના આ એફટીએ અંતર્ગત બન્ને દેશોના વેપારમાં નોંધપાત્ર વધારો કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરાવમાં આવ્યો છે જે પણ નિકાસ વધારવામાં મદદરૂપ થશે.
ખાસ કરીને મજૂરોની ખૂબ જ ઉંચા પ્રમાણમાં જરૂરિયાત ધરાવતા ભારતના ટેક્સટાઇલ્સ ક્ષેત્ર માટે આ ડિલ આશાનું એક નવું કિરણ લઇને આવ્યું છે. યુકેના બજારમાં બાંગ્લાદેશ અને વિયેટનામના સસ્તા ઉત્પાદનોની સામે ટક્કર ઝીલવી એ ભારતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગ માટે હવે આસાન બનશે, કારણ કે આ ક્ષેત્રને ડયુટીમાં 10 ટકાની રાહત મળી છે. ટેક્સટાઇલ્સ ક્ષેત્રને આ ડિલને પગલે યુકેમાં થતી નિકાસમાં 1 અબજ ડોલરનો વધારો થવાની આશા છે. આ ઉપરાંત ડિલને કારણે પરોક્ષ રીતે ભારતમાં રોજગારીની સ્થિતિ પણ સુધરશે. આ ઉપરાંત ટેક્સટાઇલ્સ ક્ષેત્રે હવે નવું રોકાણ પણ આવી શકે છે. ગુજરાત માટે આ બાબત બહુ મહત્ત્વની છે કારણ કે ટેક્સટાઇલ્સ ક્ષેત્રે ગુજરાત ભારતના ટોચના રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે 2024-25માં ભારતની ટેક્સટાઇલ્સ ક્ષેત્રની યુકેમાં થયેલી નિકાસનો આંકડો 1.4 અબજ ડોલરલ હતો. આવી જ રીતે ગુજરાત અન્ય જે ક્ષેત્રે અગ્રણી રાજ્યોમાં સમાવિષ્ટ છે એવા જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ યુએક સાથેના ટ્રેડ ડિલના કારણે ઉત્સાહનો સંચાર થયો છે. આ ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવે ઝીરો ટેરિફને પગલે આ ક્ષેત્ર આગામી દોઢથી બે વર્ષમાં જ યુકેમાં તેની નિકાસનો આંકડો હાલના 941 મિલિયન ડોલરના સ્તરેથી વધારીને 2.5 અબજ ડોલર સુધી લઇ જવા સક્ષમ બનશે. ગુજરાતમાં વુડ અને ફર્નિચરનો ઉદ્યોગ પણ મોટો કારોબાર ધરાવે છે તેને પણ આ ટ્રેડ ડિલથી મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુકે વચ્ચેના ટ્રેડ ડિલ અંતર્ગતની શરતો હેઠળ ભારતના 99 ટકા ઉત્પાદનોની યુકેમાં નિકાસ પર હવે ઝીરો ડયુટી લાગશે, જ્યારે ભારતને યુકેમાંથી થતી વ્હિસ્કી અને જિનની આયાત પરની ડયુટી 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવી પડશે.