યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ કરીને પ્રિસ્ક્રિપ્શન દ્રારા આપવામાં આવતી દવાઓના ભાવમાં 30થી 80 ટકાનો ઘટાડો કરવામાં આવશે એવી જાહેરાત કરી તેને પગલે યુએસના ફાર્મા શેરો સોમવારે ઘટાડા સાથે ટ્રેડ થતાં હતા.
આની અસર ભારતીય ફાર્મા કંપનીઓના શેરો પર પણ જોવા મળી હતી. આના કારણે આજે ઇન્ટ્રા ડેમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ એક સમયે 495 પોઇન્ટ એટલે કે 2.39 ટકા ઘટી ગયો હતો. જોકે તે પછી બજારમાં જંગી ઉછાળાને પગલે વ્યાપક તેજી આવતા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સેશનના અંતે માત્ર 30 પોઇન્ટ એટલે કે 0.15 ટકા વધીને બંધ રહ્યો હતો. ટ્રમ્પે વિશ્વના તમામ દેશોમાં આ દવાના ભાવ માટે જે સૌથી ઓછી કિંમત ચુકવવામાં આવે છે તે જ સ્તરે યુએસમાં ભાવ ચુકવવા પડે તે માટે મોસ્ટ ફેવર્ડ નેશનની પોલિસી અમલી બનાવવાની જાહેરાત કરી હતી. જોકે ભારતના ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ પોલિસી બ્રાન્ડેડ અને પેટન્ટ ધરાવતી ડ્રગ્સ માટે જ લાગુ કરવામાં આવશે અને જેનરિક ડ્રગ્સને તેમાંથી બાકાત રાખવામાં આવશે. આમ છતાં ભારતીય ફાર્મા કંપનીઓ પર આ પગલાંની શું અસર પડશે તેની જાણકારી તો ટ્રમ્પ દ્રારા પોલિસીની રૂપરેખા જાહેર કરવામાં આવે તે પછી જ ખબર પડશે.
