શુક્રવારે સેન્સેક્સ 73,198ની સપાટીએ બંધ રહ્યો હતો, જે આ સુચકાંકે 27મી સપ્ટેમ્બર, 2024ના રોજ બનાવેલી 85,978ની ટોચથી 12,780 પોઇન્ટ એટલે કે 14.86 ટકાનો ઘટાડો દર્શાવે છે.

આવી જ રીતે નિફ્ટી પણ તેની 26,277ની વિક્રમી ટોચથી 4,153 પોઇન્ટ એટલે કે 15.80 ટકા ઘટીને 22,124ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદના સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂ. 78,000 હતો, જે શુક્રવારે સ્થાનિક બજારમાં આ જ સોનાનો ભાવ રૂ. 88,000 નોંધાયો હતો. આનો અર્થ એ થાય કે 27મી સપ્ટેમ્બર, 2024થી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં એટલે કે છેલ્લા પાંચ મહિનામાં સોનાના ભાવમાં રૂ. 10,000નો એટલે કે 12.82 ટકાનો વધારો નોંધાયો છે. આમ પાંચ મહિનામાં સેન્સેક્સમાં 14.86 ટકા અને નિફ્ટીમાં 15.80 ટકાના ઘટાડાની તુલનાએ સોનાના ભાવમાં 12.82 ટકાનો વધારો નોંધાયો છે.

આવા સંજોગોમાં જો કોઇ રોકાણકારે સપ્ટેમ્બરના અંતે સોનામાં રૂ 1 લાખનું રોકાણ કર્યું હોય તો અત્યારે તેના આ રોકાણનું મૂલ્ય રૂ. 1,12,820 થાય છે, જ્યારે જો આટલું જ રોકાણ શેરબજારમાં કર્યું હોય તો તેનું મૂલ્ય ઘટીને આશરે રૂ. 85,000 જેટલું થાય છે. વધુમાં રિટેલ ઇન્વેસ્ટર્સમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરો વધુ લોકપ્રિય છે. આવા રોકાણકારોને તો વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે સપ્ટેમ્બરમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાતરફી ચાલ શરૂ થઇ તે પછી પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી હતી અને આ બન્ને શેરોના ઇન્ડેક્સે તે પછી પણ નવી વિક્રમી ચોટ બનાવી હતી. હાલમાં બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ તેની વિક્રમી ટોચથી 22.35 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 25.49 ટકા ઘટયો છે.

ચાંદીની વાત કરીએ તો 27મી સપ્ટેમ્બરે અમદાવાદના બજારમાં ચાંદીનો ભાવ રૂ. 90,000 હતો જે શુક્રવારે રૂ. 94,000 હતા. આમ સક્ષીક્ષા હેઠળના સમયગાળામાં ચાંદીએ પણ 4.44 ટકાનું વળતર આપ્યું છે. અહીં એ નોંધવું રહ્યું કે સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાંદી એક સમયે રૂ. 1 લાખની સપાટીને સ્પર્શી હતી.