જવલ્લેજ જોવા મળતાં એક ઘટનાક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે અમદાવાદમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી એનજીઓ ગીવ ઇન્ડિયાના ત્રણ વર્ષના હિસાબોનું ફોરેન્સિક ઓડિટ કરવા આદેશ આપ્યો છે.
આ ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની બોરકર એન્ડ મજમુદારની નિયુક્તિ કરવામાં આવી છે અને આ એનજીઓએ નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન વિદેશમાંથી કેટલું દાન મેળવ્યું અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે અંગેની ચકાસણી આ સીએ કંપની દ્રારા કરવામાં આવશે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોએ આપી હતી.
સૂત્રોએ જણાવ્યા મુજબ ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ)ની કલમ 20 અને 23 હેઠળ તપાસનો આ આદેશ આપવામાં આવ્યો છે. જોકે શા કારણથી આ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો કોઇ વ્યક્તિ કે સંસ્થા સમયસર માહિતી આપવામાં નિષ્ફળ જાય અથવા તો આપવામાં આવેલી માહિતી કાયદા અનુસારની ન હોય અથવા તો સરકારને એમ લાગે કે કોઇ પણ પ્રકારે કાયદાની જોગવાઇનો ભંગ થયો છે તો એફસીઆરએની કલમ 20નો ઉપયોગ થાય છે. ગીવ ફાઉન્ડેશનના નામે રજિસ્ટ્રેશન ધરાવતી આ એનજીઓની વેબસાઇટ ગીવઇન્ડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ આ સંસ્થા અસરકારક બની રહે એવી સામાજિક પહેલ કરીને ગરીબી નિવારણ માટે કાર્યરત છે અને વ્યક્તિઓ અને સંસ્થાઓને કોઇ ચોક્કસ કારણ માટે દાન આપવામાં સહાય કરે છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપેલા આદેશને પગલે તપાસ શરૂ કર્યા પછી સંબંધિત સીએ કંપનીએ ગીવ ફાઉન્ડેશનના વિવિધ વેન્ડર્સને ગીવ ફાઉન્ડેશન દ્રારા તેમની પર કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, આ સપ્લાય માટે કરવામાં આવેલા કરાર, વર્ક ઓર્ડર, ફાઉન્ડેશનને આપવામાં આવેલા બિલો, ફાઉન્ડેશન સાથે કોના દ્રારા સંપર્ક થયો હતો તે તમામ વિગતો આપવા જણાવ્યું છે, એવી માહિતી પણ સૂત્રોએ આપી હતી. જોકે ઘણા બધાં વેન્ડર્સ આ પ્રકારે માહિતી આપવા તૈયાર થયા નથી, કારણ કે સીએ કંપનીએ આવી વિગતો માંગી તે પછી આ વેન્ડર્સે નિષ્ણાતોની સલાહ લીધી હતી. નિષ્ણાતોએ તેમને આપેલી સલાહ મુજબ આવકવેરા વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવે તો તેના અધિકારીઓને માહિતી સાચી છે કે ખોટી તેની ખરાઇ કરવા માટે જેની સામે તપાસ હાથ ધરવામાં આવી હોય તેના સંબંધિત પાર્ટીઓને ત્યાં તપાસ કરવાની સત્તા છે, પરંતુ એફસીઆરએ હેઠળ હાથ ધરવામાં આવતી તપાસ જે સંસ્થા સામે તપાસ હાથ ધરવામાં આવી હોય તેના પૂરતી સીમિત જ રહે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્રારા ફોરેન્સિક ઓડિટ માટે એક સીએ કંપનીની નિયુક્તિ કરવામાં આવી તે અંગે મત વ્યક્ત કરતાં નિષ્ણાતો જણાવે છે કે સામાન્ય રીતે વિદેશમાંથી મળેલા દાનનો દુરુપયોગ થયાની આશંકા હોય કે એફસીઆરએની જોગવાઇઓ મુજબ માહિતી આપવાના નિયમનું પાલન કરવામાં ન આવ્યું હોય તો કેન્દ્રિય ગૃહમંત્રાલય તપાસનો આદેશ આપી શકે છે, પરંતુ એફસીઆરએની કલમ 20 હેઠળ માહિતી આપવાનો અને કલમ 23 હેઠળ હિસાબોની ચકાસણી કરવાનો આદેશ આ બન્ને પગલાં એક સાથે લેવામાં આવ્યા હોય અને હિસાબોના ફોરેન્સિક ઓડિટ માટે સીએ કંપનીની નિયુક્તિ કરવામાં આવી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આના પરથી એવો સંકેત મળે છે કે ગૃહમંત્રાલય સંબંધિત એનજીઓ દ્રારા વિદેશમાંથી મળેલા દાનનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તેની વિગતવાર તપાસ નિષ્ણાત વ્યક્તિઓ દ્રારા કરવાનો ઇરાદો ધરાવે છે.
આ તપાસનો આદેશ ગૃહમંત્રાલય દ્રારા સુઓમોટો આપવામાં આવ્યો હોય અથવા તો એનજીઓ દ્રારા દાનના દુરુપયોગની ફરિયાદ મળી હોય તેના આધારે આપવામાં આવ્યો હોય એ શક્ય છે, એમ જણાવતાં નિષ્ણાતો ઉમેરે છે કે ગૃહમંત્રાલયનો આ આદેશ કાયદાની જોગવાઇઓના ગંભીર ભંગ અથવા તો દાનની રકમનો ચિંતા જન્માવે એવા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય એવો સંકેત આપે છે. જો આમ ન હોય તો ગૃહમંત્રાલય દ્રારા એફસીઆરએની જોગવાઇઓના ભંગના કિસ્સામાં તપાસ માટે અત્યાર સુધી જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એમ માનવાને કારણ આપે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના તાજેતરના વર્ષોમાં સરકાર દેશમાં વિદેશીમાંથી આવતા દાન અને તેનો ઉપયોગ ક્યા કરવામાં આવે છે તેની પર સતત નજર રાખી રહી છે. એનજીઓના ખાતામાં આવતા પ્રવાહનો ટ્રેક રાખી શકાય તે માટે વિદેશમાંથી દાન મેળવતી એનજીઓએ નવી દિલ્હી ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ખાતું રાખવાનું હોય છે. જો કોઇ એનજીઓને એક વાર પ્રાયોર રેફરન્સ કેટેગરિમાં એટલે કે વોચ લિસ્ટમાં મુકવામાં આવે તે પછી આ ખાતામાં આવેલા દાનને ગૃહમંત્રાલય મંજૂરી આપે તે પછી જ રકમ રિલિઝ કરવામાં આવે છે.
