કેરીની નિકાસ માટે યુએસ એ ભારતના નિકાસકારો માટે સૌથી મોટું માર્કેટ ગણાય છે. જોકે તાજેતરમાં યુએસના સત્તાવાળાઓએ હવાઇ માર્ગે મોકલવામાં આવેલા કેરીની નિકાસ માટેના 15 શિપમેન્ટ ત્યાં પહોચ્યા કે તરત જ ફગાવી દીધા હતા.


નિકાસ માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં થયેલી ભૂલના કારણે આ શિપમેન્ટને યુએસના બજારમાં પ્રવેશવા દેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. યુએસના સત્તાવાળાઓએ ભારતીય નિકાસકારોને આ શિપમેન્ટમાં રહેલી કેરીનો નાશ કરવા અથવા તો તેની પરત ભારતમાં નિકાસ કરવા માટે સુચના આપી હતી. જોકે ભારતમાં પરત લાવવા માટે મોટો ખર્ચ ભોગવવો પડે એમ હતો અને તે દરમિયાન કેરી બગડી જાય એવી શક્યતા પણ હતી આથી નિકાસકારો કેરીનો નાશ કરવા માટે મજબૂર થયા હતા.

યુએસમાં નિકાસ માટેના આ શિપમેન્ટ મુંબઇ એરપોર્ટ પરથી 8 અને 9 મેના રોજ રવાના થયા હતા, પરંતુ આ શિપમેન્ટ યુએસના લોંસ એજંલસ, સાન ફ્રાન્સિસકો અને એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે યુએસ સત્તાવાળાઓએ આ શિપમેન્ટને પ્રવેશની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. મંજૂરી ન આપવા માટેનું કારણ એ હતું કે આ શિપમેન્ટ પર કરવામાં આવેલી ઇરેડિએશન પ્રોસેસને લગતાં દસ્તાવેજોમાં વિસંગતતા જોવા મળી હતી. ઇરેડિએશન એ એક એવી પ્રોસેસ છે કે જે અંતર્ગત નિકાસ કરવામાં આવી રહેલા ફળને રેડિએશનનો નિયંત્રિત ડોઝ આપવામાં આવે છે કે જેથી તેમાં કોઇ પણ પ્રકારના જંતુઓ હોય તો તેનો નાશ થાય છે અને તેની શેલ્ફ લાઇફ વધે છે. ફળોની નિકાસ માટે આવી પ્રક્રિયા હાથ ધરવી ફરજિયાત છે. મુંબઇ એરપોર્ટ પર આ ઇરેડિએશનની પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ પ્રક્રિયાના સંબંધમાં જે દસ્તાવેજો તૈયાર કરવાના હોય તે તૈયાર કરવામાં ભૂલ થઇ હતી. આ દસ્તાવેજીકરણમાં એક પીપીક્યુ 203 નામનું ફોર્મ જારી કરવાનું હોય છે અને ઇરેડિએશન પ્રોસેસ હાથ ધરવામાં આવે તે સુવિધામાં યુએસ સત્તાવાળાઓ દ્રારા આ ફોર્મ જારી કરવામાં આવે છે. જોકે આ ફોર્મમાં ભૂલ થઇ હોવાથી શિપમેન્ટને અટકાવાયા હતા. આના કારણે નિકાસકારોને આશરે 5 લાખ ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે.


  • Follow us on: