યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડ વોર હેઠળ યુએસ વહીવટીતંત્ર દ્રારા સાઉથ ઇસ્ટ એશિયાના ચાર દેશોમાંથી થતી સોલાર ઇક્વિમેન્ટની આયાત પર 3,521 ટકા સુધીની ડયૂટી લાદવામાં આવી છે.
અગાઉ આ આયાત સામે યુએસના એન્ટિ ડમ્પિંગ વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એવી વિગતો બહાર આવી હતી કે કમ્બોડિયા, વિયેટનામ, મલેશિયા અને થાઇલેન્ડ આ ચાર દેસોના સોલાર ઇક્વિપમેન્ટ ઉત્પાદકો ચીન તરફથી આવા ઉત્પાદનોમાં જે સબસિડી આપવામાં આવે છે તેનાથી ખોટી રીતે ગેરલાભ મેળવીને યુએસમાં આ ઉત્પાદનોની નિકાસ કરીને સસ્તા ઉપકરણો ડમ્પ કરી રહ્યા છે. આના કારણે યુએસના સ્થાનિક ઉત્પાદકોના હિત સામે જોખમ ઊભું થાય છે. યુએસ પ્રેસિડેન્ટ દ્રારા જે 10 ટકાની બેઝલાઇન ટેરિફ લાદવામાં આવી છે તે ઉપરાંત આ 3,521 ટકા સુધીની ડયૂટી લાગશે. અમેરિકાના સોલાર ઉત્પાદકો દ્રારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે ચીની કંપનીઓ આ ચાર દેશોમાં ઉપકરણોનું ઉત્પાદન કરે છે અને તે પછી કૃત્રિમ રીતે ઘટાડવામાં આવેલા ભાવથી યુએસમાં સોલાર સેલ્સ અને પેનલ્સ જેવા આ ઉપકરણોનું ડમ્પિંગ કરે છે. ઉલ્લેખનીય છે યુએસ પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારે પ્રથમ ટર્મ હતી ત્યારે ચીનથી આયાત થતાં સોલાર ઉપકરણો પર ડયૂટી લાદવામાં આવી હતી. આ ડયૂટીથી બચવા માટે ચીની ઉત્પાદક કંપનીઓએ આ ચાર દેશોમાં ઉત્પાદન માટેના પ્લાન્ટ નાંખ્યા હતા અને આ ઉત્પાદન માટે તેઓ ચીની સરકાર પાસેથી સબસિડી પણ મેળવતી હતી. યુએસએ સોમવારે કરેલી જાહેરાત મુજબ કમ્બોડિયાથી થતી સોલાર ઉપકરણોની આયાત પર સૌથી વધારે 3,521 ટકાની ડયૂટી લાદવામાં આવી છે, જેની પાછળનું કારણ એ છે કે કમ્બોડિયાની કંપનીઓએ તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. વિયેટનામથી થતી આયાત પર 395.9 ટકાની અને થાઇલેન્ડથી થતી આયાત પર 375.2 ટકાની ડયૂટી લાદવામાં આવી છે. મલેશિયા પર સૌથી ઓછી 34.4 ટકાની ડયૂટી લાદવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુએસએ પાછલા વર્ષમાં વિયેટનામ, કમ્બોડિયા, મલેશિયા અને થાઇલેન્ડ આ ચાર દેશોમાંથી કુલ 12.9 અબજ ડોલરના સોલાર ઉપકરણોની આયાત કરી હતી.
