ગૌતમ અદાણી સામે અમેરિકાનાં પ્રોસિક્યૂટર્સ દ્વારા નવેસરથી તપાસ હાથ ધરવામાં આવી છે. ભારતનાં અબજોપતિ ગૌતમ અદાણીની ગ્રૂપ કંપનીઓ દ્વારા તેનાં મુંદ્રા પોર્ટ ખાતે ઈરાનથી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની આયાત કરવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે તેમ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા તેનાં અહેવાલમાં જણાવાયું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતનાં પિૃમનાં રાજ્ય ગુજરાતનાં મુંદ્રા પોર્ટ તેમજ પર્શિયન ગલ્ફ વચ્ચે પસાર થતા ટેન્કરોમાં પ્રતિબંધોથી બચવા માટે જહાજોમાં હોય છે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાનાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝના માલ મોકલવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા કેટલાક LPG ટેન્કરોની હિલચાલની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે આ અહેવાલને સત્તાવાર સમર્થન મળતું નથી.

કંપની દ્વારા કોઈ પ્રતિબંધિત વેપાર કરાતો નથી તેવી સ્પષ્ટતા

કંપનીનાં પ્રવક્તાએ અદાણી ગ્રૂપ દ્વારા આવા ઈરાન મૂળનાં LPGની આયાત માટે જાણી જોઈને પ્રતિબંધોનો ભંગ કરીને કોઈ કાર્યવાહી કે પ્રવૃત્તિ કરવામાં આવી નથી કે પ્રતિબંધિત ચીજોનો વેપાર પણ કરાતો નથી. આ બાબતે અમેરિકાનાં સત્તાવાળાઓ દ્વારા કંપની સામે કોઈ તપાસ કરવામાં આવી રહી છે કે કેમ તેની અમને જાણ નથી. અદાણી ગ્રૂપ દ્વારા કે અમેરિકાનાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ એટર્નીની બ્રુકલિન ખાતેની ઓફિસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ટ્રમ્પે પ્રતિબંધો લાદ્યા હતા

અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા મે મહિનામાં ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની તેમજ અન્ય પેટ્રોકેમિકલ્સની આયાત કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કોઈપણ દેશ કે વ્યક્તિ દ્વારા ઈરાન પાસેથી કોઈ ચીજવસ્તુની આયાત કરાશે તો તેની પર વધારાનાં પ્રતિબંધો લદાશે તેમ ટ્રમ્પે કહ્યું હતું, અદાણી અને સાગર અદાણી દ્વારા અમેરિકામાં પાવર સપ્લાય માટે કોન્ટ્રેક્ટ મેળવવા લાંચ આપી હોવાનાં અહેવાલો પછી ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે અદાણી ગ્રૂપ દ્વારા આ અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવાયા હતા.