ભારતમાં હવે વેલેન્ટાઈન ડે માત્ર ગુલાબ અને પ્રેમ પત્રો સુધી જ સીમિત રહ્યો નથી. આ અબજો ડોલરનો બિઝનેસ છે. જે રોમાન્સ, માર્કેટિંગ પ્રતિભા અને પ્રેમની અભિવ્યક્તિ જેવા પરિબળોને કારણે સંચાલિત છે.
કેન્ડલ લાઈટ ડિનરથી માંડી ડાયમન્ડની રિંગ, ટેડી બિયર્સ, ગીફ્ટ હેમ્પર્સ સહિતની સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે 14મી ફેબ્રુઆરીનો દિવસ દિલોને નજીક લાવવા સાથે ભરપૂર કમાણી કરવાનો સુવર્ણ અવસર બની ગયો છે. વેલેન્ટાઈન ડેના પગલે રિટેલર્સ, ઈ કોમર્સ પ્લેટફોર્મ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ કંપનીઓ તમામના બિઝનેસમાં વધારો થાય છે. એક આંકડા મુજબ, આ વેલેન્ટાઈન સીઝનમાં ઓનલાઈન દસ મિલિયન ઓર્ડર પ્લેસ થયા હતા.
આ દિવસે વિવિધ કંપનીઓ દ્વારા વિશેષ પ્રકારની આકર્ષક ચોકલેટ બજારમાં મૂકવામાં આવે છે. જેના ભાવ પણ અનેક ગણા વધી જાય છે. સામાન્ય દિવસોમાં રૂ.100માં વેચાતી કેડબરીનો વિશેષ પ્રકાર આ દિવસે રૂ.300માં વેચાય છે. 15 ચોકલેટ સાથેના બોક્સની કિંમત રૂ.800 હોય છે. જ્યારે નિયમિત દિવસોમાં 16 ચોકલેટ સાથેના બોક્સની કિંમત રૂ.589 હોય છે. રોઝ ડે કરતાં પણ વેલેન્ટાઈન ડે પર ગુલાબના વેચાણમાં બે ગણો વધારો થાય છે. ગુલાબ ફ્લેવરના પીણાંની ડિલિવરીમાં 70 ટકાનો ઉછાળો આવે છે.
ગીફ્ટ હેમ્પર્સની કિંમત રૂ.90,000 સુધી જઈ શકે છે. ચોકલેટ્સ સહિત વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ હેમ્પર રૂ.499થી શરૂ થયું હતું અને આઈફોન સહિત રૂ.82,999 સુધી પહોંચ્યું હતું. આ દિવસની ઉજવણી માટે લવ મીલ્સ અને ડિઝર્ટ હેમ્પર્સ સાથે લક્ઝરી હોટલ, રિસોર્ટને પણ ચાંદી થઈ જાય છે. હોટલ વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, વેલેન્ટાઈડ ડે પછીના આ સપ્તાહના અંતે પીક સિઝન મહિનામાં સામાન્ય વીકએન્ડની તુલનાએ 15 ટકા વધુ રૂમ ઓક્યુપન્સી જોવા મળશે.