માર્ચ મહિનામાં ભારતીય ઉદ્યોગ જગતમાં વ્હાઇટ કોલર જોબના હાયરિંગના વૃદ્ધિદરમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે એટલે કે પાછલા માર્ચની તુલનાએ આ દર 38 ટકા વધ્યો છે.

ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે 78 ટકાના વૃદ્ધિદરને પગલે આ દર તીવ્ર ગતિએ વધ્યો છે. માર્ચ મહિનામાં પૂરા થયેલા છ મહિનામાં પણ આ વૃદ્ધિદરની ટકાવારી 23 ટકા નોંધાઇ છે, એવી માહિતી એક ખાનગી રિસર્ચ સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા પરથી મળે છે. અગાઉ વર્ષ 2024ના છેલ્લા ત્રણમાં વ્હાઇટ કોલર જોબના હાયરિંગના વૃદ્ધિદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર, 2024 પહેલા આ વૃદ્ધિદર ઊંચો હતો પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર, 2024માં આ વૃદ્ધિદર 10 ટકાથી પણ નીચો રહ્યો હતો. જે પછી 2025માં ફરીથી આ વૃદ્ધિદર વધ્યો છે અને ફેબ્રુઆરીમાં પણ આ વૃદ્ધિદર લગભગ માર્ચ મહિના જેટલો જ હતો. વૃદ્ધિદરમાં થયેલા આ વધારા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. ઉત્પાદન ક્ષેત્રે એન્જિનિયરિંગ અને ક્વોલિટી કંટ્રાલના ઉપકરણોની માંગ વધી રહી છે જેના પરિણામે રોજગારી માટેની નવી તકોનું સર્જન થયું છે. સરકારે માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇસિસ માટે વિવિધ પ્રોત્સાહક લાભો જાહેર કરતાં એમએસએમઇ એકમોમાં હાયરિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નાના શહેરો જેવા કે વડોદરા અને કોચીમાં હાયરિંગ વધ્યું છે અને આ બન્ને શહેરોમાં માસિક ધોરણે હાયરિંગમાં અનુક્રમે 4 ટકા અને 3 ટકાની વૃદ્ધિ થઇ છે. ઉત્પાદન પછી હાયરિંગ વધારવામાં ફાર્મા-હેલ્થકેર, બીએફએસઆઇ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન તથા રિઅલ એસ્ટેટનો ક્રમ આવે છે, જેમાં અનુક્રમે 62 ટકા, 57 ટકા, 46 ટકા અને 55 ટકાનો વધારો નોંધાયો છે.

યુએસની ટેરિફને પગલે ભારતને નવા બજાર મળવાની સાથે રોજગારી પણ વધશે

નિષ્ણાતોના મતે યુએસએ ઘણા દેશો અને ખાસ કરીને ભારતના મુખ્ય સ્પર્ધક દેશ જેવા કે ચીન, વિયેટનામ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ વગેરે પર ભારત કરતાં વધુ ટેરિફ લાદી છે, તેને પગલે ભારતીય ઉદ્યોગોને નિકાસ માટેના નવા બજાર મળે એવી શક્યતા છે. આ તકને અગાઉથી પારખી જઇને ભારતીય કંપનીઓ માંગમાં થનાર વધારાને પહોંચી શકાય તે માટે અત્યારથી પ્રોડક્શન મેનેજર્સ, ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર્સ, સપ્લાય ચેઇન એનાલિસ્ટ તથા રોબોટિક્સ અને ઓટોમેશન સ્પેશ્યિલિસ્ટની ભરતી કરી રહી છે.

આઇટી ક્ષેત્રે નિષ્ણાતોની માંગ વધી । નિષ્ણાતો વધુમાં જણાવે છે કે વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ હાલમાં ભારતમાં તેમના ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ વિકસાવી રહી છે, જેના કારણે આઇટી ક્ષેત્રે પણ સોફ્ટવેર એન્જિનિયરની માંગ વધી છે. માર્ચ મહિનામાં આઇટી ક્ષેત્રે પણ હાયરિંગમાં વાર્ષિક ધોરણે 43 ટકાનો અને માસિક ધોરણે 8 ટકાનો વધારો નોંધાયો છે. આઇટી ક્ષેત્રે વિવિધ સ્કીલને આધારે જે વધારો થયો છે તેની વાત કરીએ તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ માટેની માંગમાં 17 ટકાનો, એઆઇ-એમએલની માંગમાં 15 ટકાનો, ડેટા સાયંસની માંગમાં 13 ટકાનો અને સાયબર સિક્યુરીટીની માંગમાં 11 ટકાનો વધારો થયો છે.