2024માં શેરબજારની તેજીને પગલે ધમધમતું રહેલું આઇપીઓ માટેનું પ્રાઈમરી માર્કેટ 2025ના પહેલા ચાર મહિનામાં સાવ મંદ પડી ગયું છે.
આવા સંજોગોમાં એફઆઇઆઇની સતત લેવાલીને પગલે એપ્રિલના છેલ્લા દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજીનો સંચાર થયો છે ત્યારે હવે પાછું આ પ્રાઇમરી માર્કેટ ધમધમતું થશે કે કેમ એવો પ્રશ્ન સ્વાભાવિકપણે ઉપસ્થિત થાય છે, ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર્સ માટે આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કારણ કે આઇપીઓમાં ભરણું ભરી લિસ્ટિંગ ગેઇન્સ મેળવવા માટે પ્રાઇમરી માર્કેટ નાના રોકાણકારોની પ્રથમ પસંદગી છે.
એક અંદાજ મુજબ હાલમા કુલ રૂ. 2 લાખ કરોડના આઇપીઓ લોંચ થવા માટે થનગની રહ્યા છે, પરંતુ ઓક્ટોબર, 2024માં શરૂ થયેલો મંદીનો તબક્કો 2025માં જે તીવ્રતાથી આગળ વધ્યો તેને પગલે વિવિધ કંપનીઓએ આઇપીઓ લાવવાનો પ્લાન પડતો મુક્યો હતો અને જેને પગલે માર્ચમાં તો એક પણ આઇપીઓ આવ્યો ન હતો. જોકે હવે સેન્સેક્સ અને નિફ્ટી 2025ની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે અને તેજી ધીમે ધીમે આગળ વધી રહી છે તે સાથે આઇપીઓનું બજાર પણ ધમધમે એવી આશા જીવંત થઇ છે. હાલમાં રૂ. 2,981 કરોડનું ભંડોળ એકત્ર કરવા મો જે અથર એનર્જીનો આઈપીઓ લોંચ થયો છે, તે આઇપીઓ બજાર આગામી સમયમાં કેવું રહેશે તેના માટેના એક પરીક્ષણ સમાન છે, એમ નિષ્ણાતો માની રહ્યા છે. જોકે આ આઇપીઓને પ્રારંભે એટલે બધો ભવ્ય પ્રતિસાદ મળ્યો નથી, એટલે પ્રાઇમરી માર્કેટની આગામી મહિનાઓમાં દશા અને દિશા કેવી રહેશે તે અંગે હાલમાં કંઇ કહેવું વહેલું ગણાશે એમ કહેતાં નિષ્ણાતો ઉમેરે છે કે 2025ના છેલ્લા છ મહિનામાં પ્રાઇમરી માર્કેટ ફરી ચેતનવંતુ બને એવી શક્યતા નિવારી શકાતી નથી.
જોકે આગામી સમયગાળામાં પ્રાઇમરી માર્કેટની સ્થિતિ કેવી રહેશે તે બાબત યુએસ ટેરિફે ઊભી કરેલી અનિિૃતતાઓ કેટલ હદે દુર થાય છે, વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિદર અને વૈશ્વિક સ્તરે ફુગાવાનો દર કેવો રહે છે, સ્થાનિક મોરચે અર્થતંત્રના વિવિધ પરિબળો અને કંપનીજગતના પરિણામો કેવા રહે છે તેની પર નિર્ભર રહેશે. જોકે પ્રત્યક્ષ રીતે કહીએ તો ભારતીય શેરબજારમાં હાલમાં થયેલો તેજીનો સંચાર જળવાઇ રહેશે અને બજાર ફરી તેણે 2024માં મેળવેલી ઊંચાઇઓ તરફ આગળ વધશે તો જ આઈપીઓ લાવવા માટે કતારમાં રહેલી કંપનીઓ પણ આઇપીઓ લોંચ કરવા આગળ આવશે એમ નિષ્ણાતો માની રહ્યા છે. આઇપીઓ માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો રસ કેમ અકબંધ છે તે જણાવતા નિષ્ણાતો એવી દલીલ કરી છે કે 2025માં ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી છે તેમ છતાં આ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં લિસ્ટેડ થયેલી કંપનીઓએ સરેરાશ 25થી 30 ટકાનું વળતર આપ્યું છે. વધુમાં આઇપીઓ માર્કેટ ફરી ધમધમતું થાય એ માટે રિલાયન્સ જિયો અને ટાટા કેપિટલ જેવી મોટી કંપનીઓ આઇપીઓ લોંચ કરે એ પણ જરૂરી છે.