યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ માઇગ્રેશન પોલિસી કડક બનાવી અને આ તંત્ર દ્રારા સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવતા સમર્થન અંગે અનિશ્ચીતતાઓ ઊભી થઇ છે.

તેને પગલે ભારતની વિવિધ બેંકોએ યુએસમાં વધુ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન આપવા અંગેની પોતાની મૂલ્યાંકનની પ્રક્રિયા વધુ કડક બનાવી છે. એજ્યુકેશન લોન માટે આમ તો સંપૂર્ણપણે કોઇ પણ સંપત્તિ ગિરવે મુકવામાં આવેલી હોય છે, પરંતુ હવે બેંકો તેમની મૂલ્યાંકનની પ્રક્રિયામાં સંબંધિત શૈક્ષણિક સંસ્થાના બેકગ્રાઉન્ડ, વીઝા અને લોન માટેના માર્જિન મનિ જેવા વિવિધ પાસાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી તે અંગે વધુ સઘન ચકાસણી કરશે. યુએસમાં અભ્યાસ અર્થે જે ખર્ચ થવાનો હોય તે કુલ ખર્ચમાં વિદ્યાર્થી દ્રારા આપવામાં આવતા યોગદાનને માર્જિન મની કહેવાય છે, જેમાં હવે વધારો કરવામાં આવશે. આ ઉપરાંત યુએસની જે સંસ્થામાં વિદ્યાર્થી અભ્યાસ માટે જવા માંગતો હોય ત્યાં અભ્યાસ કરવાથી કેવી અને કેટલા પગારની જોબ મળવાની શક્યતા છે તેની ચકાસણી પણ બેંકો દ્રારા કરવામાં આવશે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.

બેંકિગ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિને કારણે આગામી સમયગાળામાં યુએસમાં અભ્યાસ અર્થે જતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવે એવી શક્યતા છે. જોકે બેંકો એજ્યુકેશન લોન આપવા માટે મૂલ્યાંકનની પ્રક્રિયા અઘરી બનાવશે એનો એ અર્થ નથી થતો કે બેંકો આવા વિદ્યાર્થીઓને લોન આપવાનું જ બંધ કરી દેશે.

આરબીઆઇના આંકડા મુજબ દેશમાં અપાતી એજ્યુકેશન લોનનો આંકડો ફેબ્રુઆરી, 2025માં વાર્ષિક ધોરણે 15.3 ટકા વધીને રૂ. 1.36 લાખ કરોડના સ્તરે પહોંચ્યો છે. આવી લોન આપતી વખતે બેંકો 100 ટકા સંપત્તિ ગિરવે મુકાવે છે અને તે ઉપરાંત વિદ્યાર્થીની ખુદની અને તેના માતાપિતાની જામીનગીરી પણ લેવામાં આવે છે એટલે આવી લોનમાં ડિફોલ્ટ થાય એવી શક્યતા ઓછી હોય છે. વિદ્યાર્થીના વીઝાની ચકાસણી ક્યા પછી જ બેંકો લોનની રકમ સીધી શૈક્ષણિક સંસ્થાના ખાતામાં જમા કરાવે છે.