- અત્યાર સુધીમાં 6 કરોડ રીટર્ન ફાઈલ
- સમયમર્યાદા લંબાતા પેયર્સને રાહત
- સરળતાથી ફાઈલ કરી શકાશે રીટર્ન
જો ઈન્કમટેક્સ રીટર્ન રેગ્યુલર ભરતા હોવ તો આ વખતે સરકારે ટેક્સ રીટર્ન ભરનારાઓને મોટી રાહત આપી છે. નિશ્ચિત કરેલી તારીખમાં રીટર્ન ફાઈલ ન થયું હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષના અંતિમ તબક્કા સુધી કોઈ પણ સમયે રીટર્ન ફાઈલ કરી શકાય છે. આને ઈન્કમટેક્સ રીટર્ન લેટ ફાઈલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તારીખ 31 જુલાઈ સુધીમાં આઈટી રીટર્ન ફાઈલ કરી દેવાનું હોય છે. આ સમયગાળામાં ચોક્કસ રકમથી ઉપરની સેલેરી મેળવનારા લોકોએ પોતાની આવકનો ખુલાસો સરકાર પાસે કરવાનો હોય છે. એ રકમ પર ટેક્સ પે કરવાનો હોય છે. આ વર્ષે છ કરોડથી વધારે ટેક્સ પેયર્સે રીટર્ન ફાઈલ કરેલા છે.
સરકારે આપી ખુશખબરી
જે લોકો 31 જુલાઈ સુધીમાં કોઈ રીતે રીટર્ન ફાઈલ કરી શક્યા નથી એ લોકો માટે સરકારે ખુશખબરી આપી છે. સરકારે રીટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવી દીધી છે. ટેક્સ ભરવો છે પણ સમયમર્યાદા ચૂકી ગયા હોવ એ લોકો માટે આ સમયગાળો ફાયદારૂપ સાબિત થઈ શકે છે. હવે તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી રીટર્નનું લેટ ફાઈલિંગ કરી શકાય છે. 31 ડિસેમ્બર પહેલા આ રીટર્ન સરળતાથી ફાઈલ કરી શકાય છે. જોકે, આ માટે લેટ ફી પણ ભરવી પડશે.
સેલેરીની કેટેગરી મહત્વની
લેટ ઈન્કમ ટેક્સ રીટર્ન એ વાત પર નિર્ભર કરે છે કે, ટેક્સપેયર્સની સેલેરી કઈ કેટેગરીમાં આવે છે. જે વ્યક્તિની આવક 5 લાખ રૂપિયાથી વધારે છે તેઓ લેટ ફી તરીકે રૂપિયા 5000 ભરીને રીટર્ન આપી શકે છે. જે વ્યક્તિની આવક 5 લાખથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની લેટ ફી આપીને રીટર્ન ફાઈલ કરી શકે છે. નાણાકીય અધિનિયમ 2021માં થયેલા એક સંશોધન અનુસાર વર્ષ 2021-22થી કરદાતા સંબંધીત મુલ્યાંકન વર્ષના અંતથી ત્રણ મહિના પહેલા અથવા મુલ્યાંકન પૂરૂ થાય એ પહેલા લેટ રીટર્ન ફાઈલ કરી શકાય છે.
રીટર્ન ફાઈલ કરનારા વધશે
સરકારે આપેલી આ રાહતને કારણે આવનારા સમયમાં રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં વધારો થવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ઝીરો રીટર્ન ફાઈલ કરનારાઓ માટે આ સારી એવી તક છે. જોકે, લેટ ફી સાથે ફાઈલ કરનારા લોકોને પણ તારીખ લંબાવવાથી મોટી રાહત મળી રહેવાની છે. જોકે, આ મામલે તારીખ લંબાવવા સિવાય સરકારે ખાસ કોઈ એવી ચોખવટ નથી કરી.