EPFOના 7.6 કરોડથી વધુ સભ્યો હવે એમ્પ્લોયર દ્વારા કોઈપણ ચકાસણી અથવા EPFOની મંજૂરી વગર નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત વિગતો ઓનલાઈન બદલી શકશે. આ સુવિધા શનિવારથી શરૂ થઈ ગઈ છે. EPFOના e-KYC EPF ખાતા (આધાર સાથે જોડાયેલા) ધરાવતા સભ્યો, એમ્પ્લોયરના કોઈપણ હસ્તક્ષેપ વગર આધાર OTP વડે સીધા જ તેમના EPF ટ્રાન્સફર ક્લેમ ઓનલાઈન ફાઇલ કરી શકે છે.
આજથી શરૂ થઈ ગઈ આ સર્વિસ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે EPFOની આ બે નવી સેવાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે EPFO સભ્યો દ્વારા નોંધાયેલી લગભગ 27 ટકા ફરિયાદો સભ્ય પ્રોફાઈલ/KYC મુદ્દાઓ સાથે સંબંધિત છે અને આ સુવિધા શરૂ થયા પછી આ ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમણે કહ્યું કે કર્મચારીઓની વ્યક્તિગત વિગતોમાં ફેરફાર માટેની વિનંતીઓથી વધારે કર્મચારીઓ ધરાવતા મોટા એમ્પ્લોયરોને પણ ફાયદો થશે. શ્રમ મંત્રીએ કહ્યું કે EPFOએ EPFO પોર્ટલ પર સંયુક્ત ઘોષણાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આનાથી કર્મચારીઓને નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતા/માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, કાર્ય સંસ્થામાં જોડાવાની અને છોડવાની તારીખ વગેરે જેવી વ્યક્તિગત માહિતીમાં થતી સામાન્ય ભૂલોને સ્વ-સુધારવાની મંજૂરી મળે છે.
2017 પહેલાનો હોવો જોઈએ UAN
આ માટે એમ્પ્લોયર દ્વારા કોઈ ચકાસણી અથવા EPFO દ્વારા મંજૂરીની જરૂર નહીં રહે. આવા કિસ્સાઓમાં, કોઈ સહાયક દસ્તાવેજોની જરૂર નથી. આ સુવિધા એવા સભ્યો માટે ઉપલબ્ધ રહેશે જેમના UAN 1 ઓક્ટોબર, 2017 પછી ઈસ્યુ કરવામાં આવ્યા છે. જો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા ઈસ્યું કરવામાં આવ્યું હોય તો એમ્પ્લોયર અને EPFOની મંજૂરી વિના પણ વિગતો સુધારી શકે છે. આવા કેસો માટે સહાયક દસ્તાવેજોની જરૂરિયાત પણ સરળ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ફક્ત એવા કિસ્સાઓમાં જ્યાં UAN આધાર સાથે લિંક થયેલું નથી, કોઈપણ સુધારાને નોકરીદાતાને ભૌતિક રીતે સબમિટ કરવા પડશે અને ચકાસણી પછી, મંજૂરી માટે EPFOને મોકલવા પડશે.