- ચીન વિશ્વનું દ્વિતીય ક્રમનું અર્થતંત્ર, પરંતુ વિદેશી હૂંડિયામણ ભંડાર મોરચે સૌથી મોખરે
- યાદીમાં બીજા ક્રમે જાપાન, ત્રીજા ક્રમે સ્વિટ્રઝરલૅન્ડ, તો ભારત ચોથા ક્રમે
- ચીન 3.11 ટ્રિલિયન ડોલર જેટલા વિદેશી હૂંડિયામણ ભંડાર ધરાવે છે
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર 17 નવેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં વધીને 595.397 અબજ ડોલર થઈ ગયા છે. તમે જાણો છો કે વિશ્વમાં સૌથી મોટા વિદેશી હૂંડિયામણ ભંડાર કોની પાસે છે? તેનો જવાબ ચીન છે. ચીન 3.11 ટ્રિલિયન ડોલર જેટલા વિદેશી હૂંડિયામણ ભંડાર ધરાવે છે. ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારની તુલનામાં તે પાંચ ગણા વધુ કહી શકાય. યાદીમાં બીજા ક્રમે જાપાન આવે છે. જાપાન 1.23 ટ્રિલિયન ડોલરના વિદેશી ભંડારો ધરાવે છે. ત્રીજા ક્રમે યુરોપીય દેશ સ્વિટ્ઝરલૅન્ડ આવે છે. તે 876 અબજ ડોલરના વિદેશી હૂંડિયામણ ભંડાર ધરાવે છે.
વિદેશી હૂંડિયામણ ભંડારને મોરચે ભારત યાદીમાં ચોથા ક્રમે છે. રશિયા 577 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે, તાઇવાન ( 564 અબજ ડોલર) છઠ્ઠા, સાઉદી અરબ (427 અબજ ડોલર) 7મા, હોંગકોંગ ( 418 અબજ ડોલર) 8મા, દક્ષિણ કોરિયા (418 અબજ ડોલર) 9મા તો બ્રાઝિલ (344 અબજ ડોલર ) 10મા ક્રમે છે. યાદીમાં ઉતરતા ક્રમમાં સિંગાપોર ( 337 અબજ ડોલર), જર્મની ( 309 અબજ ડોલર), અમેરિકા (240 અબજ ડોલર), ફ્રાન્સ ( 238 અબજ ડોલર), ઇટાલી ( 234 અબજ ડોલર), થાઇલેન્ડ ( 221 અબજ ડોલર), મેક્સિકો ( 204 અબજ ડોલર) , ઈઝરાયેલ ( 202 અબજ ડોલર) અને બ્રિટન ( 182 અબજ ડોલર)નો સમાવેશ થાય છે.










