ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતા અને ગ્રાહક વપરાશ વધ્યાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટ કાર્ડના વપરાશમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
જો કે, તેની સાથે જ આ ધિરાણની રકમ ચૂકવવામાં ઉલાળિયો કરી જનારા ગ્રાહકોની સંખ્યામાં પણ 28.42 ટકા સુધીનો વધારો થઈ જતાં, ડિસેમ્બર-2024 સુધીના છેલ્લા 12 માસ દરમિયાન આવી ફસાઈ ગયેલી રકમ યાને નોન-પરફોર્મિંગ એસેટનો આંકડો 6,742 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું રીઝર્વબેંક ઓફ ઈન્ડિયા- RBI-ના તાજેતરના આંકડા બતાવે છે.
અર્થતંત્રની મંથરગતિ વચ્ચે આવી એકંદર-NPA-માં ડિસેમ્બર-2023 પછી હાલના સ્તર સુધીનો વધારો થયો છે, એટલે કે, તેમાં આશરે 1500 કરોડ રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. અગાઉના વર્ષના ક્રેડિટ કાર્ડ પેટેના નીકળતા કુલ પૈકીના બાકી લેણાં કે જે 2.53 લાખ કરોડ કે 2.06 ટકા હતા તેની સામે ડિસેમ્બર-2024માં કુલ નીકળતા લેણાં પૈકીના 2.3 ટકા એટલે કે 2.92 લાખ કરોડ થવા જાય છે.
એક જવાબમાં કહેવાયું છે કે, ડિસેમ્બર-2020માં જે 1108 કરોડ રૂપિયા થતી હતી એ -NPA-માં હવે 500 ટકાનો વધારો થઈ ગયો છે. આ પણ એવા સમયે થયું છે, જ્યારે બેંકોએ એકંદર -NPA- કે જે વર્ષ 2023માં 5 લાખ કરોડ યાને 2.5 ટકા હતી, તેને 2024ના ડિસેમ્બર સુધીમાં 4.55 લાખ કરોડ યાને 2.41 ટકા સુધી નીચી લાવવામાં સફળતા મેળવી છે. ભારતીય બેંકોએ એકબાજુ છેલ્લા બે વર્ષમાં જ્યાં લોન ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં સફળતા મેળવી છે, ત્યારે આ બાબતને નજીકથી તપાસતાં માલૂમ પડશે કે, વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ ખાતાઓની-NPA-માં નોંધનીય ઉછાળો આવ્યો છે. દેવાળિયા દેણદારોની આવી વધી ગયેલી સંખ્યા સમગ્ર સેક્ટરની પ્રગતિ પ્રગતિ સામે સવાલ ખડા કરે છે.
ક્રેડિટ કાર્ડના બાકી લેણાં અસુરક્ષિત પ્રકારનાં છે અને તેના પર વ્યાજદર પણ ઊંચો હોય છે. વ્યાજ કે મૂદ્દલના હપ્તા ભરવામાં 90 દિવસથી વધારે સમય જાય કે તરત જ લોનખાતું -NPA-થઈ જાય છે. ક્રેડિટ કાર્ડના બાકી લેણાં ચૂકવવામાં ગ્રાહક બિલિંગ સાયકલથી વધારે સમય લે કે તરત જ બેંક તેને બાકી લેણાં પર વાર્ષિક 42 થી 46 ટકા સુધીનું વ્યાજ ફટકારે છે અને તેનો ક્રેડિટ સ્કોર નીચો જાય છે, એ અલગ. બેંક દ્વારા જે વ્યાજમુક્ત અવધિ અપાય છે, તેનાથી ઉપરવટ જતાં ચાર્જ કરાતી રકમ કાર્ડ માટે લેણાંની રકમ બને છે.
લોન અને લોંજના લાભ, ઊંચી રકમના વપરાશ પર લાભ જેવી લોભામણી યોજનાઓ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ તરફ ખેંચે છે. એક બેંક અધિકારી કહે છે કે, ગ્રાહકોએ એ સમજવું જોઈએ કે, ગ્રાહકો બેંકની વ્યાજમુક્ત અવધિથી વધારે સમય કાર્ડની ઉધારી રાખે તો કેટલાંક કેસોમાં તેમણે વાર્ષિક 42 ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડે છે. તેનાથી તેઓ દેવાની જાળમાં સપડાય છે. ગ્રાહક ધિરાણ, ક્રેડિટ કાર્ડના લેણાં અને નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓનાં લેણાંને નવેમ્બર-2023માં RBIએ જોખમી ગણાવી તેમની ટકાવારીને 25 ટકાથી વધારી 150 ટકા સુધીની કરી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે, આવા સેક્ટરમાં વધી રહેલું જોખમ ગ્રાહકોની એકંદર વિશ્વસનીયતા ઘટાડે છે, ખાસ કરીને વ્યક્તિગત લોન્સ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી લોન લેતા ગ્રાહકો માટે આ જોખમ ઘટી જાય છે.