દિવાળીના તહેવારોની સિઝનમાં નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર જે અપડેટ સામે આવી રહ્યું છે તે પ્રમાણે કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં વધારો કરી કર્મચારીઓને દિવાળી ગીફ્ટ આપી શકે છે. સરકાર આ વખતે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે, અને જો આવું થયું તો પછી કર્મચારીઓને મળતો ડીએ વધીને 53 ટકા થઈ જશે.
કર્મચારીઓનું ડીએ વધીને 53 ટકા થશે
કેન્દ્રીય કર્મચારીઓને તાજેતરમાં 50 ટકા ડીએ મળી રહ્યું છે અને સરકાર દિવાળી પહેલા તેમાં 3 ટકાનો વધારો કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, જો આવું થાય, તો ડીએ 53% થશે અને તે પહેલી જુલાઈ-2024થી લાગુ થશે. આનો અર્થ છે કે, કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી વધુ ઉજ્જવળ બનશે અને તેમના પગારમાં બમ્પર વધારો થશે. મળતી માહિતી અનુસાર બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
અગાઉ માર્ચમાં વધારો થયો હતો
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે. અગાઉ, 24 માર્ચ, 2024ના રોજ, કેન્દ્રીય કર્મચારીઓને 4% DA વધારાની ભેટ આપવામાં આવી હતી. આ વધારા સાથે, તેમને મળતું મોંઘવારી ભથ્થું 46%થી વધારીને 50% કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ડીએમાં વધારાના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. તાજેતરમાં, એક અહેવાલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે આગામી કેબિનેટ બેઠકમાં ડીએમાં વધારો કરવામાં આવશે. અમે ઓછામાં ઓછા 3%ના વધારાની અપેક્ષા રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓને મળતનારી ડીએની ગણતરી અખિલ ભારતીય ગ્રાહક મૂલ્ય ઈન્ડેક્સ સાથે સંબંધિત હોય છે. જે ગત 12 મહિનામાં છૂટક ફુગવાને ટ્રેક કરે છે. વિશ્વના મોંઘવારી દબાણ અને વધતા ખર્ચાની સાથે આ નિર્ણ આખા દેશમાં ઘરેલું બજેટના સંચાલન માટે ખૂબ મહત્તવનું છે.