દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ રચાયો છે. દિવાળી પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારાને લીધે હવે ડીએ વધીને 53 ટકા થઈ ગયું છે. આ અગાઉ આ વર્ષે માર્ચમાં 4 ટકા ડીએ વધ્યું હતું.
વર્ષ-2024નો આ બીજું પગાર વધારો
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સંશોધન કરતી હોય છે. આ અગાઉ ગત 24 માર્ચે 2024ના દિવસે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને 4 ટકા ડીએ વધારીને ગીફ્ટ આપી હતી. આ વધારાને લીધે તેઓને મળતા મોંઘવારી ભથ્થું વધીને 46 ટકાથી વધી કુલ 50 ટકા કરાયું હતું. હવે નવા વધારાને લીધે આ વધીને 53 ટકા થઈ ગયું છે.
કર્મચારીઓનું ડીએ 53 ટકા થયું
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ હાલ 50 ટકા મળી રહ્યું હતું. હવે દિવાળી પહેલા જ સરકાર આમાં ત્રણ ટકા વધારવાની ભેટ આપશે. ડીએમાં નવો વધારાનો લાભ એક જુલાઈ 2024થી મળશે. જેથી કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી વધુ ચમકદાર બની છે, કારણ કે, તેઓના પગારમાં બંપર વધારો જોવા મળશે.
કર્મચારીના પગારની ગણતરી
હવે વાત કરીએ કે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તેથી ગણતરી મુજબ, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 55,200 રૂપિયા છે, તો હાલમાં તેનું 50% મોંઘવારી ભથ્થું 27,600 રૂપિયા છે. જ્યારે ડીએ વધીને 53 ટકા થાય છે, તો તેમનું મોંઘવારી ભથ્થું વધીને 29,256 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીઓના પગારમાં રૂપિયા 29,256 - રૂપિયા 27,600 = રૂ. 1,656નો વધારો થશે.
3 મહિનાનું એરિયર્સ પણ મળશે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓને પણ ત્રણ મહિનાનું એરિયર્સ મળશે. આ અંતર્ગત જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ કર્મચારીઓને મળતા ઓક્ટોબરના પગારમાં ઉમેરવામાં આવશે. મતલબ કે દિવાળીએ તેમને તગડી રકમ મળશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓને મળેલી ડીએની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) સાથે સંબંધિત છે, જે છેલ્લા 12 મહિનામાં રિટેલ ફુગાવાને ટ્રેક કરે છે. વિશ્વના ફુગાવાના દબાણ અને વધતા ખર્ચ સાથે, આ નિર્ણય સમગ્ર દેશમાં ઘરગથ્થુ બજેટના સંચાલન માટે મહત્વપૂર્ણ છે.













