• 2022માં સરેરાશ ઓપનિંગની સરખામણીમાં નવેમ્બરમાં ડિમેટ ઓપનિંગ 20 ટકા નીચું

શેરબજારે તાજેતરમાં તેની સર્વોચ્ચ ટોચ બનાવી હોવા છતાં નવા ડિમેટ ઓપનિંગમાં સુસ્તી જોવા મળી હતી. નવેમ્બર મહિનામાં સતત તેજી વચ્ચે બેન્ચમાર્ક્સ નવી ટોચે પહોંચ્યાં હોવા છતાં નવું ડિમેટ એકાઉન્ટ ઓપનિંગ કેલેન્ડર 2022ની અત્યાર સુધીની માસિક સરેરાશથી નીચું જળવાયું હતું. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં પ્રતિ મહિને 23 લાખ ડિમેટ એકાઉન્ટ ઓપન થયાં છે. જેની સરખામણીમાં નવેમ્બરમાં માત્ર 18 લાખ ડિમેટ ખૂલ્યાં હતાં. જે સાથે દેશના બે ડિપોઝીટરીઝ એનએસડીએલ અને સીડીએસએલ ખાતે કુલ ડિમેટ એકાઉન્ટ સંખ્યા 10.6 કરોડને પાર કરી ગઈ હતી. માર્કેટ મધ્યસ્થીઓના જણાવ્યા મુજબ ગયા વર્ષે જોવા મળ્યું હતું તે રીતે નવા રોકાણકારો બજારમાં પ્રવેશી રહ્યાં નથી. ખાસ કરીને સામાન્યરીતે બજારમાં જ્યારે ટોચ બનતી હોય છે ત્યારે નવા રોકાણકારો તરફ્થી જોવા મળતો ધસારો હાલમાં જોવા મળી રહ્યો નથી. નવેમ્બરમાં નિફ્ટીએ 4 ટકા સુધારો નોંધાવ્યો હતો. જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં બેન્ચમાર્ક 10 ટકા જેટલો સુધર્યો હતો. બે મહિનાની સતત વેચવાલી બાદ નવેમ્બરમાં વિદેશી રોકાણકારો ચોખ્ખા ખરીદાર બન્યાં હતાં. તેમણે એક મહિનામાં લગભગ 5 અબજ ડોલર આસપાસ એટલેકે રૂ. 40 હજારથી વધુનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જેની પાછળ સરેરાશ ડેઈલી ટ્રેડિંગ વોલ્યુમમાં પણ 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે તે રિટેલ ઈન્વેસ્ટર્સ પાછળ નહોતી અને એફ્પીઆઈના રોકાણ પાછળ હતી એમ માર્કેટ વર્તુળોનું કહેવું છે. માર્કેટમાં ઊંચા વોલ્યુમ પાછળ કેટલાંક મોટા બ્લોક ડિલ્સને પણ તેઓ કારણભૂત ગણાવે છે. સામાન્યરીતે બજાર ટોચ પર હોય ત્યારે એક પ્રકારનો ઉન્માદ જોવા મળતો હોય છે અને રિટેલ રોકાણકારોનું પાર્ટિસિપેશન વધતું હોય છે. જેનો આ વખતની તેજીમાં સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે માર્કેટ નવા રોકાણકારોને પણ આકર્ષી શક્યું નથી. કેલેન્ડરની શરૂમાં જાન્યુઆરીમાં 34 લાખ નવા ડિમેટ ખૂલ્યાં હતાં.


  • Follow us on: