દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વને જોતા બિહાર જતી તમામ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ કે દેશના બીજા કોઈ ખૂણેથી બિહાર પરત જનાર માટે ભીડને લીધે ઘણા રેલવે સ્ચેશનો પર નાસભાગની સ્થિતિ સર્જાય છે. આ દરમિયાન રેલવેએ છઠ્ઠ પૂજા પર ઘરે જનારાઓ માટે એક રાહત આપી છે.


મળતી માહિતી અનુસાર, આ ટ્રેનને ટ્રાયલ ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન અરાહ, બક્સર, દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન, પ્રયાગરાજ અને કાનપુર જેવા સ્ટેશનો પર ઉભી રહેશે. દર વર્ષે છઠ દરમિયાન બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ હોય છે, જેના કારણે રેલવે વિશેષ ટ્રેનો ચલાવે છે.

રેલવેએ દિલ્હીથી પટના સુધી વંદે ભારત સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 30 ઓક્ટોબર 2024 થી 6 નવેમ્બર 2024 સુધી ચાલશે. દિલ્હીથી પટના જતી આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવાર દોડશે, જે નવી દિલ્હીથી પટનાની મુસાફરી 11 કલાક અને 35 મિનિટમાં કરશે. આ વિશેષ ટ્રેન દિલ્હીથી સવારે 8:25 વાગ્યે અને પટનાથી સવારે 7:30 વાગ્યે ઉપડશે.

રેલવે મંત્રીએ કર્યો મોટો દાવો

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વખતે છઠ દરમિયાન બિહાર અથવા પૂર્વાંચલ જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં કારણ કે રેલવેએ સાત હજાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ગયા વર્ષે સાડા ચાર હજાર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને આ વખતે સાત હજાર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

પાછળથી, રેલવે અધિકારીઓને ટાંકીને, સમાચાર આવ્યા કે 3,050 વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે અને કેટલીક ટ્રેનોમાં વધારાની બોગીઓ ફીટ કરવામાં આવશે. અગાઉ, 28 ઓક્ટોબર, 2024ના રોજ, રેલ્વે મંત્રાલયે દેશના વિવિધ ભાગોમાં બિહાર માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો.

  • Follow us on: