• ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં આઈ-બેન્કર્સની આવકમાં 84 ટકાનો તીવ્ર ઘટાડો
  • સમાનગાળાની સરખામણીમાં 58 ટકા નીચે
  • ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એક સાઇક્લિકલ બિઝનેસ

કેલેન્ડર 2021માં પ્રાઇમરી માર્કેટમાં અસાધારણ કામગીરી નિહાળ્યાં બાદ ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ માટે માર્ચ ક્વાર્ટર મુશ્કેલ બની રહ્યું છે. એક શક્યતા મુજબ તેમના ત્રિમાસિક અર્નિગ્સમાં 58 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ ડેટા એજન્સીના જણાવ્યા મુજબ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સની આવક 18 માર્ચ સુધી 2.93 કરોડ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 58 ટકા નીચે હતી.

રશિયા-યૂક્રેન વોર તથા યુએસ ફેડ દ્વારા રેટ વૃદ્ધિ જેવા પરિબળો પાછળ સેકન્ડરી માર્કેટમાં ઊંચી વોલેટિલિટીને જોતાં પ્રાઈમરી માર્કેટ ઘણું ખરું નિષ્ક્રિય જોવા મળ્યું છે. જેને કારણે મોટાભાગના બેંકર્સની કામગીરીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર 2021ની સરખામણીમાં તેમની આવકમાં 84 ટકા ઘટાડો નોંધાયો છે. ગયા ક્વાર્ટરમાં પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ પ્રવેશી હતી. જેમાં પેટીએમ જેવા સૌથી મોટા આઈપીઓનો પણ સમાવેશ થતો હતો. માર્કેટની સ્થિતિ સારી નહીં હોવાના કારણે મોટાભાગની કંપનીઓએ તેમના આઈપીઓ પ્લાનને મોકૂફ્ રાખવા પડયાં હતાં. સરકારે પણ માર્ચમાં નિર્ધારિત એલઆઈસીના આઈપીઓને પરત ઠેલવો પડયો હતો. રશિયા-યૂક્રેન યુદ્ધ ફટી નીકળતાં ક્રૂડ સહિત કોમોડિટીઝના ભાવ ઊછળ્યા હતા અને તેને કારણે અનેક કંપનીઓની ફ્ંડ એકત્ર કરવાની યોજનાઓ અટકી પડી હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સે 18.15 કરોડ ડોલરની આવક નોંધાવી હતી. જેનું કારણ પેટીએમ, સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ, પીબી ફ્નિટેક અને નાયકા જેવા મોટા કદના આઈપીઓ હતા. જેની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં હજુ સુધી માત્ર ત્રણ આઈપીઓ જ બજારમાં પ્રવેશ્યા છે. જેમાં અદાણી વિલ્મેર, વેદાંત ફેશન્સ અને એજીએસ ટ્રાન્ઝેક્ટનો સમાવેશ થાય છે. એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકના હેડ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એક સાઇક્લિકલ બિઝનેસ છે. બે મજબૂત ક્વાર્ટર્સ બાદ અમે મંદીનો સામનો કરી રહ્યાં છીએ. પ્રાઈમરી માર્કેટને ફ્રી જીવંત બનાવવા માટે મજબૂત સેકન્ટરી માર્કેટ જરૂરી છે. કમનસીબે, હાલમાં બજારમાં વોલેટિલિટી ખૂબ ઊંચી જોવા મળી રહી છે. જેણે સમગ્ર વિશ્વમાં ઈસીએમ એક્ટિવિટી પર અસર કરી છે. વૈશ્વિક સ્તરે ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સની આવકમાં 79 ટકા ઘટાડો જોવા મળે છે. જ્યારે એશિયામાં તેમની આવક 49 ટકા જેટલી ઘટી છે.