• બર્નાર્ડ અર્નોલ્ટ 186.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
  • એલન મસ્કની નેટ વર્થ ઘટીને 181.3 અબજ ડોલર થઈ ગઈ
  • બંનેની સંપત્તિમાં માત્ર 5.2 અબજ ડોલરનું અંતર છે

ટોપ-10 અબજપતિઓની યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. એલન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા નથી, તેઓ બીજા સ્થાન પર આવી ગયા છે. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટે તેમને સંપત્તિની રેસમાં માત આપી છે. બર્નાર્ડ અર્નોલ્ટ 186.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

એલન મસ્કની નેટવર્થમાં ઘટાડો

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, લાંબા સમય સુધી સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાની ઓળખ જાળવી રાખનાર એલન મસ્કની સંપત્તિમાં ઘટાડા બાદ તેઓ પ્રથમ નંબરથી બીજા સ્થાને સરકી ગયા છે. એલન મસ્કની નેટ વર્થ ઘટીને 181.3 અબજ ડોલર થઈ ગઈ છે. જો કે મસ્ક અને આર્નોલ્ટ વચ્ચેનું અંતર વધારે નથી. બંનેની સંપત્તિમાં માત્ર 5.2 અબજ ડોલરનું અંતર છે.

2021થી સતત નંબર વન હતા

વર્ષ 2021માં સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના સીઇઓ એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રિપોર્ટ અનુસાર તે સમયે મસ્કની નેટવર્થ 188 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જ્યારે નંબર વન પર બેજોસની નેટવર્થ ઘટીને 187 અબજ ડોલર થઈ ગઈ હતી. હવે જેફ બેઝોસ 113.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. તેમને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે.

ગૌતમ અદાણી ત્રીજા નંબર પર યથાવત

ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સામેલ બંને ભારતીય ઉદ્યોગપતિઓએ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધમાં ફોર્બ્સના ડેટા અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી (ગૌતમ અદાણી) 134.6 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી વધુ ધનિકોમાં ત્રીજા નંબર પર પોતાની હાજરી જાળવી રાખી છે. તો આ યાદીમાં બીજા ભારતીય ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 92.8 અબજ ડોલર સાથે આઠમા સ્થાને યથાવત છે.

યાદીમાં આ અબજોપતિ પણ સામેલ

ફોર્બ્સની યાદી અનુસાર, પીઢ રોકાણકાર વોરેન બફેટ 108.1 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં પાંચમા ક્રમે છે. તો બિલ ગેટ્સ 106.5 અબજ ડોલર સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. અન્ય ધનિકોની વાત કરીએ તો, 103.9 અબજ ડોલર સાથે સાતમા નંબર પર લેરી એલિસન, 81.8 અબજ ડોલર સાથે નવમા નંબરે કાર્લોસ સ્લિમ હેલુ અને 81.7 અબજ ડોલર સાથે 10મા નંબર પર સ્ટીવ બાલ્મર છે.

ટોપ-10માંથી આ બે ધનિક બહાર થઇ ગયા

અબજોપતિઓની યાદીમાં વધુ એક ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી ટોપ-10માં રહેલા બે દિગ્ગજ અબજોપતિ હવે આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. લેરી પેજ હવે 81.2 અબજ ડોલરની નેટવર્થ સાથે 11માં નંબરે, જ્યારે સેર્ગેઈ બ્રિન 77.9 અબજ ડોલરની સંપત્તિ સાથે 12માં નંબરે છે. આ સિવાય ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 41.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 26માં સ્થાને છે.


  • Follow us on: