કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ જાહેરાત કરી છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં 1.61 મિલિયન સભ્યો સંગઠનમાં સામેલ થયા છે. જો આપણે ગયા વર્ષના ફેબ્રુઆરી 2024 સાથે સરખામણી કરીએ તો વાર્ષિક ધોરણે 3.99 ટકાનો વધારો થયો છે. આ તફાવત સ્પષ્ટપણે દર્શાવે છે કે કર્મચારીઓમાં ફાયદાને લઈને પહેલાની સરખામણીમાં ઘણી જાગરૂકતા વધી છે.


તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025માં EPFO​​એ લગભગ 7,39,000 નવા સભ્યોનું રજીસ્ટ્રેશન કર્યુ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે નવા સભ્યોની આ સંખ્યા વધતી રોજગારની તકો, કર્મચારી લાભો વિશે વધતી જાગૃતિ અને EPFOના સફળ આઉટરીચ કાર્યક્રમોને કારણે છે. નવા સભ્યો એ છે જેઓ પહેલી વાર EPFOમાં જોડાઈ રહ્યા છે.

દર વર્ષે થઈ રહ્યો છે વધારો

ઉલ્લેખનીય છે કે લગભગ 1.31 મિલિયન સભ્ય, જેઓ પહેલા EPFOમાંથી બહાર થઈ ગયા હતા, તેઓ ફરીથી ફેબ્રુઆરી 2025માં EPFO​​માં પરત જોડાયા છે. જે વાર્ષિક ધોરણે 11.85 ટકાનો વધારો બતાવે છે. મંત્રાલયે કહ્યું, “આ સભ્યોએ પોતાની નોકરી બદલી અને EPFOમાં ફરી જોડાયા છે.

કેટલા નવા સભ્યો જોડાયા?

ડેટામાં નોંધપાત્ર વાત એ છે કે 18થી 25 વર્ષની વય જૂથનું વર્ચસ્વ બનેલું છે. ફેબ્રુઆરી 2025માં આ વય જૂથના 4,27,000 લાખ નવા સભ્યોને જોડવામાં આવ્યા હતા, જે સમીક્ષા સમયગાળામાં ઉમેરાયેલા કુલ નવા સભ્યોના 57.71 ટકા છે. વધુમાં, ફેબ્રુઆરી 2025માં 18-25 વય જૂથ માટે પગાર વધારાનો આંકડો આશરે 6,78,000 સુધી પહોંચ્યો છે, જે ફેબ્રુઆરી 2024ની સરખામણીમાં 3.01 ટકાનો વધારો બતાવે છે.

મહિલાઓની ભાગીદારીમાં પણ થયો વધારો

ફેબ્રુઆરી 2025માં EPFO​​એ લગભગ 2,08,000 નવી મહિલા સભ્યને જોડી છે. જે વાર્ષિક ધોરણે 1.26 ટકાનો વધારો બતાવે છે. કુલ મહિલા પગારપત્રકમાં વધારો લગભગ 3,37,000 હતો, જે ફેબ્રુઆરી 2024થી 9.23 ટકાનો વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહિલા સભ્યોની સંખ્યામાં વધારો વધુ સમાવિષ્ટ અને વૈવિધ્યસભર કાર્યબળ તરફ વ્યાપક પરિવર્તનનો સંકેત આપે છે.

  • Follow us on: