કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના કરોડો સભ્યો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં EPFOમાંથી પૈસા ઉપાડવા માટે, સભ્યોને તેમના EPFO ખાતામાં કેન્સલ કરાયેલો ચેક અપલોડ કરવો પડતો હતો, પરંતુ હવે આવું થશે નહીં. હવે EPFO સભ્યોને તેમના બેન્ક ખાતાઓની ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં.
કેન્સલ ચેક અથવા વેરિફાઈડ બેન્ક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાતને સંપૂર્ણપણે દૂર કરી દીધી
EPFOમાં આ મોટા ફેરફારથી EPFOના 8 કરોડ સભ્યોને સીધો જ ફાયદો થશે અને તેમના કલેમનો નિકાલ કરવામાં ઓછો સમય લાગશે. તે જ સમયે, EPFO પાસે હવે ઘણા બધા પેન્ડિંગ કેસ રહેશે નહીં, જેનો લાભ EPFO અને તેના સભ્યોને મળશે. હાલમાં, EPFOના સભ્યોએ PF ખાતામાંથી ઓનલાઈન ભંડોળ ઉપાડવા માટેની અરજી કરતી વખતે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અથવા PF નંબર સાથે જોડાયેલા બેન્ક ખાતાના ચેક અથવા પાસબુકની ચકાસણી થયેલી ફોટોકોપી અપલોડ કરવી જરૂરી છે. નોકરીદાતાઓએ અરજદારના બેન્ક એકાઉન્ટની વિગતો પણ મંજૂર કરવી જરૂરી છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે EPFOએ ઓનલાઈન કલેમ દાખલ કરતી વખતે ચેક અથવા વેરિફાઈડ બેન્ક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાતને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.
1.7 કરોડ EPFOના સભ્યોને ફાયદો થયો
EPFOના સભ્યનું જીવન સરળ બનાવવા અને નોકરીદાતાઓ માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે આ 2 આવશ્યકતાઓ નાબૂદ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાં કલેમની પતાવટ પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો કરશે અને દાવાઓના અસ્વીકાર સંબંધિત ફરિયાદોમાં ઘટાડો કરશે. શરૂઆતમાં ચોક્કસ KYC-અપડેટ થયેલા સભ્યો માટે ટ્રાયલ ધોરણે આ જરૂરિયાતો હળવા કરવામાં આવી હતી. 28 મે, 2024ના રોજ તેની ટ્રાયલ લોન્ચ થઈ ત્યારથી આ પગલાથી 1.7 કરોડ EPFOના સભ્યોને ફાયદો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સફળ પરીક્ષણ પછી, EPFOએ હવે આ મુક્તિ બધા સભ્યોને આપી છે.