શસ્ત્રો અને સહાયના બદલામાં યૂક્રેન અમેરિકાને 500 અબજ ડોલરનું દુર્લભ ખનીજ આપવા માટે તૈયાર થઇ ગયું છે. યૂક્રેન અમેરિકાના ભાર નીચે દબાઇ જશે?


અમેરિકન લાલો લાભ વગર લોટતો નથી. યૂક્રેનને એમ હતું કે, અમેરિકા અમને દોસ્તીના દાવે મદદ કરી રહ્યું છે. અમેરિકાએ નાક દબાવીને યૂક્રેનનું મોઢું ખોલાવ્યું છે અને ખનીજ સંપત્તિ પડાવી લીધી છે. યૂક્રેનના લોકોએ યુદ્ધના પરિણામો પેઢીઓ સુધી ભોગવવા પડશે!

નો લંચ ઇઝ ફ્રી. મફતમાં કંઇ મળતું નથી. કંઇ ચિંતા ન કરતા, હું બેઠો છું એવું કહેવાવાળા પણ સમય આવ્યે પોતે ખર્ચેલી રકમ વસૂલ કરતા હોય છે. આખી દુનિયા જાણે છે કે, અમેરિકન લાલો લાભ વગર લોટતો નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યૂક્રેનની મજબૂરીનો ફાયદો ઉઠાવીને યૂક્રેનના પેટાળમાં રહેલું દુર્લભ અને કિમતી ખનીજ પડાવી લેવાના કારસામાં સફળ થયા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી આજે શુક્રવારે અમેરિકાની મુલાકાતે જઇ રહ્યા છે. ટ્રમ્પ તેમની પાસે પાંચસો અબજ ડોલરની ખનીજ સંપત્તિ લેવાના કરાર પર સહી સિક્કા કરાવી લેવાના છે. આ ઉપરાંત શામ, દામ, દંડ અને ભેદની નીતિ અખ્તયાર કરીને ટ્રમ્પ ઝેલેન્સ્કીને રશિયા સાથે યુદ્ધ ખમત કરવાની તમામ વાતો પણ મનાવી લેવાના છે. અમેરિકાની મુલાકાતે જતા પહેલા જ ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમેરિકાને ખનીજ સંપત્તિ આપવી એ યૂક્રેનની મજબૂરી છે. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી. યૂક્રેનને પાછું બેઠું કરવાનું છે. ખનીજ સંપત્તિ ન આપીએ તો યુદ્ધનો ખર્ચ યૂક્રેનની આગામી દસ પેઢીઓ ચૂકવે તો પણ પૂરો થાય એમ નથી! દુનિયા અને યૂક્રેનના લોકો હવે ઝેલેન્સ્કીને સવાલ પૂછી રહ્યા છે કે, રશિયા સાથે ત્રણ ત્રણ વર્ષ લડીને આખરે તમે શું મેળવી લીધું? આખા દેશને બરબાદ કર્યો! નાટોમાં સામેલ થવાનું સપનું પણ તૂટી ગયું. દુશ્મન રશિયા સામે તો તમે પરાસ્ત થયા જ, તમારે તો મિત્ર અમેરિકાને શરણે પણ થવું પડ્યું. જો પોતાનામાં ત્રેવડ ન હોય તો કોઇના ભરોસે લડવા ન નીકળાય!

રશિયાની પણ અમેરિકાને ઓફર,

ખનીજ અમારી પાસે પણ છે!

યૂક્રેન પાસેથી તો અમેરિકા ખનીજ પડાવી જ લેવાનું છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને પણ અમેરિકાને ઓફર કરી છે કે, વધારે ખનીજ જોઇએ છે? અમારી પાસે પણ ખનીજના ભંડાર છે. અમે એ આપવા તૈયાર છીએ. પુટિનની પણ તેની પાછળ જબરી રાજરમત છે. પુટિને યૂક્રેનના 18 ટકા વિસ્તાર પર કબજો કર્યો છે. યૂક્રેનનો જે વિસ્તાર પર રશિયાએ વર્ચસ્વ જમાવી લીધું છે એના પેટાળમાં પણ કિંમતી ખનીજનો ભંડાર છે. રશિયાએ યૂક્રેનની જે જમીન પર કબજો જમાવ્યો છે એ પુટિન પાછો આપવા માંગતા નથી. અમેરિકા જો ખનીજ માટે માની જાય તો રશિયા યૂક્રેનની જમીનમાંથી જ ખનીજ ઉલેચીને અમેરિકાને આપશે. પુટિને પણ યુદ્ધમાં જે ખર્ચ થયો છે એ વસૂલ કરવો છે. યુદ્ધ ખતમ કરવા માટે રશિયાની દાનત એ જ છે કે, અમેરિકા રશિયા પરે જે પ્રતિબંધો લાદ્યા છે એને હટાવી લે. ટ્રમ્પ એ માટે તૈયાર થઇ ગયા છે. ટ્રમ્પ એકસામટા બધા જ પ્રતિબંધો હટાવી લેશે કે પછી ધીમે ધીમે પ્રતિબંધો દૂર કરશે એના પર પણ બધાની નજર છે. રશિયા ભલે દુશ્મન રહ્યું પણ રશિયા સાથે પણ અમેરિકાના અનેક હિતો સંકળાયેલા છે. સ્પેસ મિશન સહિત અનેક ક્ષેત્રોમાં બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. પુટિન ચાલાક છે. દુનિયાના એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે, યુદ્ધ કરીને રશિયાએ યૂક્રેનની હાલત તો ખરાબ કરી જ નાખી છે, અમેરિકા પાસે પણ પોતાનું ધાર્યું કરાવ્યું છે!

યૂક્રેનમાં છે સત્તર પ્રકારના અતિશય

કિંમતી ખનીજનો મોટો ભંડાર

દુનિયામાં બહુ ઓછા દેશો પાસે છે એવા સત્તર પ્રકારના દુર્લભ અને અતિશય કિંમતી ખનીજોનો મોટો ભંડાર યૂક્રેન પાસે છે. ટાઇટેનિયમ, લિથિયમ, યુરેનિયમ, સેરિયમ, ડિસ્પ્રોસિયમ, અર્બિયમ, યૂરોપિયમ, ગૈડોલીનિયમ, હોલ્મિયમ, લૈથેનમ, લ્યુટેટિયમ, નિયોડિમિયમ, પ્રેસિયોડીમિયમ, પ્રોમેથિયમ, સમૈરિયમ, સ્કૈડિયમ, ડેરબિયમ, થ્યુલિયમ, યેટરબિયમ અને ઇડ્રિયમ જેવા ખનીજો યૂક્રેનના પેટાળમાં છે. ગ્રેફાઇટનો મોટો જથ્થો પણ યૂક્રેનમાં છે. યૂક્રેનમાં જેટલી પ્રકારના ખનીજ છે તેમાંથી અડધોઅડઘ એટલે કે પચાસ ટકા અમેરિકા પડાવી લેવાનું છે. યૂક્રેન પાસેથી જે ખનીજો મળવાના છે એનો અમેરિકાના એલન મસ્કની ટેસ્લા કારથી માંડીને સ્પેસક્રાફ્ટમાં ઉપયોગ થવાનો છે. હોવિત્ઝર તોપ, અન્ય ઘાતક હથિયારો ઉપરાંત મોબાઇલ અને કમ્પ્યુટર ચીપ બનાવવામાં પણ યૂક્રેનનું ખનીજ વપરાશે. ટ્રમ્પના મિત્ર એલન મસ્ક યૂક્રેનના ખનીજથી માલામાલ થઇ જવાના છે!

યૂરેનિયમનો ઉપયોગ પરમાણુ બોંબ અને વીજળી ઉત્પાદન કરવામાં થાય છે. દુનિયામાં યુરેનિયમનો જેટલો જથ્થો છે એમાંથી બે ટકા જેટલું યુરેનિયમ યૂક્રેનની જમીનમાં છે. ત્રણ ટન કોલસામાંથી જેટલી વીજળીનું ઉત્પાદન કરી શકાય એટલી વીજળીનું ઉત્પાદન માત્ર એક ગ્રામ યુરેનિયમમાંથી થાય છે. યૂક્રેનના યુરેનિયમથી અમેરિકાને કેટલો ફાયદો થવાનો છે એ વાત આ હિસાબ પરથી સમજી શકાય છે. ટાઇટેનિયમનો ઉપયોગ પ્લેન, સ્પેસક્રાફ્ટ, ટેન્ક અને શક્તિશાળી રોકેટના એન્જિન બનાવવામાં થાય છે. લિથિયમનો ઉપયોગ ઇલેકટ્રિક વ્હીકલથી માંડીને મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે ચીપ અને બેટરી બનાવવામાં થાય છે. ટ્રમ્પે કહ્યું કે, યૂક્રેન ઉપરાંત હું રશિયા પાસેથી પણ ઓઇલ, ગેસ અને રેર અર્થ મેટલ્સ ખરીદવાનો છું. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાંથી જેટલું મળે એટલું બધું પડાવી લેવાના મૂડમાં છે.

યૂક્રેન અને રશિયાના ખનીજથી

અમેરિકા ચીનને ટક્કર આપશે!

ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણી બન્યા એ પહેલાથી બિઝનેસમેન છે. તેને ફાયદા અને નુકશાનની સારી સમજ છે. ટ્રમ્પ ઘણા ખનીજો માટે ચીન પર નિર્ભર છે. અમેરિકાની એક દાનત ચીનને ફટકો મારવાની છે. ચીને પણ હવે અમેરિકાની સ્પર્ધા કરવા માટે નવો રસ્તો શોધવો પડશે. ચીન અને અમેરિકા વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને સ્પેસ ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં જબરદસ્ત હરિફાઇ છે. રશિયા અને અમેરિકા વચ્ચે જે ચાલી રહ્યું છે એ મામલે ચીન મોઢું સીવીને બેઠું છે અને ચીન આંખો પહોળી કરીને તમામ ખેલ જોવે છે. ચીન યુદ્ધ બાદ રશિયાની નજીક રહ્યું હતું. હવે રશિયા અમેરિકાની નજીક સરકી રહ્યું છે. નવી પરિસ્થિતિમાં ચીને પણ નવા દાવ અજમાવવા પડશે. આગામી સમયમાં ખેલ બરાબર જામવાનો છે એ વાત નક્કી છે!

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક તીરે
અનેક નિશાનો સાધી લીધા છે!

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યૂક્રેન પાસેથી ખનીજ મેળવવાની ડીલ કરીને અમેરિકાને તગડો ફાયદો થાય એવું કામ કર્યું છે. યૂક્રેન પાસેથી જે ખનીજ અમેરિકાને મળવાનું છે એ ખનીજ અમેરિકા અત્યાર સુધી ચીન પાસે ખરીદતું હતું. ખનીજના બદલામાં અમેરિકાએ ચીનને મોટી રકમ ચૂકવવી પડતી હતી. યૂક્રેન પાસેથી ખનીજ લઇને અમેરિકાએ ચીનની મોનોપોલી પણ ખતમ કરી છે. યૂક્રેનનું ખનીજ મળતા હવે એ ખનીજ આધારિત અમેરિકાના ઉદ્યોગોને પણ બૂસ્ટ મળશે. યૂક્રેનનું નાક દબાવ્યું એના કારણે રશિયા પણ ખુશ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા અને આ વખતે પણ અમેરિકા ફર્સ્ટની વાતો કરીને જ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. તેઓ સાબિત કરી રહ્યા છે કે, અમેરિકાના ફાયદા માટે હું કંઇ પણ કરવા તૈયાર છું. અમેરિકનોને આવું જ જોઇએ છે. બીજાને ડરાવી, ધમકાવી અથવા તો લલચાવી, પટાવીને પણ અમેરિકાનું તરભાણું ભરાવું જોઇએ. રશિયા સાથે યુદ્ધની સમજૂતી કરવા જઇ રહેલું અમેરિકા રશિયા પાસેથી પણ મળે એ તમામ લાભ લઇ લેવાનું છે એ નક્કી છે!


  • Follow us on: