ભારતીય શેરબજાર માટે મે મહિનો અત્યાર સુધી ખુબ જ સારો રહ્યો છે, મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો (FPIs)એ ભારતીય શેરમાર્કેટમાં લગભગ 14,429 કરોડ રૂપિયાનું તગડું રોકાણ કર્યું છે, જે છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ છે. અગાઉ, સપ્ટેમ્બર 2024 પહેલા વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું હતું. હકીકતમાં મે 2025 માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ભારતીય ઇક્વિટી બજારમાં ₹14,429 કરોડનું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બર 2024 પછીનો સૌથી વધુ છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે FPIs ભારતીય બજારોમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે.

 ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાથી માર્કેટમાં સારૂ વાતાવરણ

નાણાકીય વર્ષ 26 માટે 7% GDP વૃદ્ધિ આગાહી અને નિયંત્રિત ફુગાવા સહિત ભારતની મજબૂત મેક્રો ઈકોનોમિક પરિસ્થિતિ, FPIને આકર્ષિત કરી રહી છે અને તેના કારણે જ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફર્યા છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાથી માર્કેટમાં સારૂ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરપ ટેરિફ અંગેની વાટાઘાટો અત્યાર સુધી સકારાત્મક રહી છે અને આશા છે કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં કોઈ કરાર થશે. સાથે જ ભારતીય ચલણમાં થોડી મજબૂતી પાછી આવી છે, જેના કારણે યુએસ ડોલર નબળો પડ્યો છે અને વિદેશી રોકાણકારો ભારતીય બજારને પસંદ કરવા લાગ્યા છે. આ બધા વચ્ચે ચોથા ક્વાર્ટરમાં સારા પરિણામોએ બજારનો માહોલ સુધાર્યો છે. ખાસ કરીને નાણાકીય સેવાઓ, આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના પરિણામો ત્રીજા ક્વાર્ટરની તુલનામાં ચોથા ક્વાર્ટરમાં થોડા સુધર્યા છે.

શું FPI રોકાણ ટકાઉ છે?

ભારતની મજબૂત આર્થિક સ્થિતિ અને આગામી 3-5 વર્ષમાં કોર્પોરેટ કમાણીમાં 14-17% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ (CAGR)ની અપેક્ષા FPI પ્રવાહને ટેકો આપશે. જોકે, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને વૈશ્વિક તણાવ FPI પ્રવાહને અસર કરી શકે છે. પરંતુ હાલમાં વાતાવરણ સારું જોવા મળી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ FPIsએ નાણાકીય સેવાઓ, IT અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં વધારે રસ દાખવ્યો છે. ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ રોકાણકારોને આકર્ષી રહી છે. એ નોંધનીય છે કે વર્ષ 2025માં કુલ FPIએ ₹97,922 કરોડ રૂપિયા ઉપાડ્યા છે.