અંગ્રેજીમાં એમ કહેવાય છે કે લાઇફ બિગિન્સ એટ ફોર્ટી, પરંતુ હાલમાં કેટલાક વૃદ્ધ વ્યક્તિઓમાં સાહસિક પ્રવાસી પ્રવૃત્તિઓમાં રસ લેવાનું જે ચલણ વધ્યું છે તે જોતા એમ પણ કહી શકાય છે કે લાઇફ બિગિન્સ એટ સિક્સ્ટી.

માત્ર 60થી 70 વર્ષના જ નહીં પરંતુ 60થી 90 વર્ષ સુધીના વૃદ્ધોમાં જે પ્રમાણે ઉર્જાસભર અને રોમાંચક પ્રવાસોનું આકર્ષણ તાજેતરના વર્ષોમાં વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને હવે ટુર ઓપરેટરો પણ આવા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ પેકેજની ઓફર કરી રહ્યા છે. ક્રુઝિંગથી સ્કાઇંગ સુધીની પ્રવૃત્તિઓનો લાભ લેવાની તક આપતા અને યુરોપથી લઇને જાપાન સુધીના વિસ્તારોને આવરી લેતા આવા પેકેજ હવે લોકપ્રિય થઇ રહ્યા છે. વૈશ્વિક રિસર્ચ સંસ્થાના અહેવાલ મુજબ પ્રત્યેક ચાર વૃદ્ધ નાગરિકમાંથી એક નાગરિક સાહસિક પ્રવાસો તરફ વળતો જાય છે. જેના કારણે આવા નાગરિકોમાં સેન્ડ સ્કાયડાઇવિંગ, કેવ ડાઇવિંગ, એન્ટાર્ટિકાનો પ્રવાસ વોલ્કેનો બોર્ડિંગ વગેરે લોકપ્રિય થતી જાય છે. આવા વલણને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓ પણ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ પેકેજ ઓફર કરી રહી છે અને આવા પેકેજના બુકિંગમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો થઇ રહ્યો છે એમ સૂત્રો જણાવે છે. સ્થાનિક પ્રવાસી સ્થળોની વાત કરીએ તો વૃદ્ધ નાગરિકોમાં કેરળ અને ગોવાના બિચ, સિક્કીમના કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો વગેરે લોકપ્રિય છે.

નિવૃત્તિની જિંદગીમાં પણ આનંદ લેવાનો શોખ

બીજા વિશ્વ યુદ્ધ પછી 1945થી 1965ના સમયગાળામાં જન્મ લીધો હોય અને હાલમાં 60થી 70 વર્ષની વય ધરાવતા હોય એવા લોકોને બુમર્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા લોકોમાં અત્યંત ઉર્જાસભર, સાહસિક અને રોમાંચક પ્રવાસની પ્રવૃત્તિઓમાં રસ લેવાના પ્રમાણમાં ચાલુ વર્ષે 30 ટકાનો વધારો થયો હોવાનું એક વૈશ્વિક સંસ્થાના રિસર્ચ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પાછલા વર્ષમાં આ ટકાવારી 11 ટકા હતી જે વધીને હવે 30 ટકા થઇ છે. આવા વ્યક્તિઓ દ્રારા વિદેશમાં પ્રવાસ કરવામાં આવ્યો હોયો એની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં ત્રણ ગણી વધી છે અને આવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા ટ્રાવેલ બુકિંગમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.