અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી અને બોમ્બાર્ડિયર ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એરિક માર્ટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ હતી. મંગળવારે થયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને વધારવાના હેતુથી ટ્રાન્સફોર્મેંટીવ પાર્ટનરશીપ અંતર્ગત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેમાં ડિફેન્સ સેક્ટર, ઉડ્ડયન સેવાઓ, તેની જાળવણી, સમારકામ સહિતના વિષયો અંગે ચર્ચા થઈ હતી. ગૌતમ અદાણીએ એરિક માર્ટેલના સાથેની મુલાકાત વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ પરની પોસ્ટમાં એરીક માર્ટેલ સાથે થયેલી ચર્ચાઓ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, " એક સાથે મળીને અમે મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.." ભારત વિદેશી MRO (મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ) સેવાઓ પર નિર્ભરતા ઘટાડવા સતત પ્રયાસો કરી રહ્યું છે. જેમાં એરલાઇન્સ સામે વધુ ઓપરેશનલ ખર્ચ અને તેના માટે વધુ સમય લેતી સેવાઓ જેવા પડકારો સામેલ છે. ગૌતમ અદાણીએ આ પડકારોને ધ્યાને લઈ મજબૂત સ્થાનિક MRO ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.










