- બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 25માં સ્થાને સરકી ગયા છે
- ગૌતમ અદાણી 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા
- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીની નેટવર્થ ઘટીને 49.1 અબજ ડોલર થઈ ગઈ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં મોટો ઘટાડો થયો હતો અને કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (Mcap) લગભગ અડધી થઈ ગઇ હતી. જેના કારણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોપ-20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીનું કદ સતત ઘટી રહ્યું છે. સોમવારે તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 25માં સ્થાને સરકી ગયા છે.
આ રીતે ગૌતમ અદાણી ત્રીજા નંબર પરથી સરકી ગયા
ગૌતમ અદાણી 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ હિંડનબર્ગના અહેવાલ બાદ તેમની કંપનીઓની માર્કેટકેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નીચે જતા રહ્યા હતા. અદાણીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
સપ્ટેમ્બર 2022માં, ગૌતમ અદાણી 155 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિના રેન્ક પર પહોંચી ગયા. પરંતુ આ વર્ષે જાન્યુઆરીના અંતમાં આવેલા હિંડનબર્ગ રિપોર્ટે ગૌતમ અદાણીને મોટો ઝટકો આપ્યો છે.
મિલકત કેટલી છે?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 49.1 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા સપ્તાહે મંગળવારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 52.4 અબજ ડોલર હતી. માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં તેમની સંપત્તિમાં લગભગ 3 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે, તેઓ માત્ર અબજોપતિઓની યાદીમાં જ નીચે સરકી રહ્યા નથી પરંતુ તેમણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પણ ગુમાવ્યો છે. સંપત્તિના મામલે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અદાણી કરતા ઘણા આગળ નીકળી ગયા છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં તફાવત
હવે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 34 અબજ ડોલરનો બિલિયનનો તફાવત છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી હાલમાં ધનિકોની યાદીમાં 11માં નંબર પર છે અને તેમની કુલ સંપત્તિ 83.6 અબજ ડોલર છે. લાંબા સમયથી ગૌતમ અદાણીની સાથે અન્ય ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા હતા, પરંતુ તેમની નેટવર્થમાં પણ વધઘટ જોવા મળી રહી છે.
બર્નાર્ડ આર્નોલ્ટ નંબર વન પર યથાવત
ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં પ્રથમ સ્થાને યથાવત છે. તેમની કુલ સંપત્તિ 192 અબજ ડોલર છે. તો ટેસ્લાના CEO એલન મસ્ક 187 અબજ ડોલરની નેટવર્થ સાથે યાદીમાં બીજા નંબરે છે. 121 અબજ ડોલરની નેટવર્થ સાથે એમેઝોનના જેફ બેઝોસ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તો 117 અબજ ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ અને 107 અબજ ડોલરની નેટવર્થ સાથે વોરેન બફે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે સૌથી ધનિક છે.