- એમસીએક્સ ખાતે સોનું રૂ. 53,300ની સપાટીને પાર
- સ્થાનિક બજારમાં ભાવ રૂ. 54,500ને સ્પર્શી શકે
- શુક્રવારે તે 1815 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું
યુએસ ફેડ રિઝર્વ તરફથી રેટ વૃદ્ધિ ધીમી કરવામાં આવે તે પ્રકારના સંકેતો પાછળ ગોલ્ડમાં મજબૂતી જળવાઈ છે. વૈશ્વિક બજારમાં તેણે ગુરુવારે સાંજે 1,800 ડોલરની સપાટી કુદાવી હતી. જ્યારબાદ શુક્રવારે તે 1815 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. છેલ્લા એક મહિનામાં ગોલ્ડે 200 ડોલરનો તીવ્ર સુધારો દર્શાવ્યો છે. જેણે ગોલ્ડ ઈન્વેસ્ટર્સને મોટી રાહત પૂરી પાડી છે. અગાઉ ફેડ તરફથી સતત ઊંચી રેટ વૃદ્ધિ પાછળ ગોલ્ડ એપ્રિલમાં તેની 2079 ડોલરની ટોચ પરથી ગગડી નવેમ્બર શરૂઆતમાં 1,618 ડોલરના તળિયા પર ટ્રેડ થયું હતું. તે ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન યુદ્ધની શરૂઆત વખતે જોવા મળતાં 1,770 ડોલરના સ્તરથી પણ 150 ડોલર નીચે ઊતરી ગયું હતું. જોકે યુએસ ખાતે ઓક્ટોબર ઈન્ફ્લેશન ડેટામાં રાહત ગોલ્ડમાં પ્રથમ બાઉન્સ માટેનું કારણ બન્યું હતું અને ગોલ્ડ 1,780 ડોલર સુધી ઊછળ્યું હતું. જોકે ત્યારબાદ છેલ્લા બે સપ્તાહ દરમિયાન તે કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. પખવાડિયા અગાઉ યુએસ ફેડે રજૂ કરેલી ઓક્ટોબર મિનિટ્સમાં ફેડ અધિકારીઓ તરફથી રેટ વૃદ્ધિને ધીમી કરવાના ડોવિશ ટોને તથા તાજેતરમાં ફેડ ચેરમેન પોવેલે પણ બ્રૂકલીન ખાતે તેમના પ્રવચનમાં રેટ વૃદ્ધિની ગતિ ધીમી કરવાનો સંકેત આપતાં ગોલ્ડમાં ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને તે 1,800 ડોલરના મહત્ત્વના સપોર્ટને પાર કરી ગયું હતું. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડમાં ટ્રેન્ડ તેજીતરફી બન્યો છે અને હજુ તે વધુ એક સુધારામાં 1850 ડોલર સુધી ઊછળી શકે છે. જ્યારબાદ કોન્સોલિડેશનની શક્યતા છે. ફેબ્રુઆરી આખરથી એપ્રિલ સુધીમાં 300 ડોલરના સુધારા બાદ ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડે બીજીવાર ઝડપી તેજી દર્શાવી છે. જોકે ગોલ્ડમાં બે બાજુની મૂવમેન્ટ જોવા મળી છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માને છે કે રેટ વૃદ્ધિ ધીમી પડશે તો પણ તે ક્યારે વિરામમાં જશે તે હજુ નક્કી નથી. કેમકે યુએસ ખાતે ફુગાવો ફેડના 2 ટકાના કર્મ્ફ્ટ ઝોનથી ઘણો ઊંચો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ફેડ એકાદ-બે મિટિંગમાં વિરામ બાદ ફરી રેટ વૃદ્ધિનો માર્ગ અપનાવી શકે છે. જોકે હાલમાં તો ગોલ્ડના ભાવમાં તમામ રેટ વૃદ્ધિ ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. જ્યારે જીઓ-પોલિટિકલ રિસ્કનું જોખમ ઊભું છે. અગાઉ ગોલ્ડમેન સાચે ગોલ્ડના ભાવ 2,500 ડોલરની સપાટી દર્શાવે તેવી આગાહી કરી છે.
ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો 53,300ની સપાટી પાર કરી ગયાં હતા. તેઓ છેલ્લા છ મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ડોલર સામે રૂપિયામાં નવેમ્બરમાં સુધારાને કારણે વૈશ્વિક બજારમાં જોવા મળેલી વૃદ્ધિની સંપૂર્ણ અસર ગોલ્ડના ભાવ પર જોવા નથી મળી. જોકે વૈશ્વિક ડોલર ઓવરસોલ્ડ હોવાથી બાઉન્સ થવાની શક્યતા છે.










