ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેમણે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. તેમણે પહેલા મેક્સિકો અને ચીન પર ટેરિફ વધાર્યા અને બાદમાં તેને મોકૂફ રાખ્યા. હવે ઘણા દેશો પર ઊંચા ટેરિફ લાદવાના ડરને કારણે ભારતીય રૂપિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. તેની અસર સોનામાં પણ જોવા મળી છે.  સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આજે પણ સોનાના ભાવે એક નવો ઇતિહાસ રચ્યો છે. જીએસટી વગરનું 24 કેરેટ સોનું હવે 85368 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. આજે એટલે કે સોમવાર 10 ફેબ્રુઆરીના રોજ, સોનું 669 રૂપિયા મોંઘુ થઈને 85368 રૂપિયા પર ખુલ્યું. જ્યારે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બુલિયન બજારમાં ચાંદી 451 રૂપિયા સસ્તી થઈ અને 94940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે.

સોનામાં ભાવ વધારો

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિએશન દ્વારા આજે 24 કેરેટ સોનાનો ભાવ 666 રૂપિયા વધીને 85,062 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટ સોનાનો સરેરાશ હાજર ભાવ હવે ૭૮, ૧૯૭ રૂપિયા પર પહોંચી ગયો છે અને 18 કેરેટનો ભાવ 10 ગ્રામ દીઠ 64026 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 14 કેરેટ સોનાનો ભાવ હવે પ્રતિ 10 ગ્રામ 49940 રૂપિયા છે. આ દર ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં GST વસૂલવામાં આવ્યો નથી. શક્ય છે કે તમારા શહેરમાં આના કારણે 1000 થી 2000 રૂપિયાનો તફાવત આવી શકે.

કેમ સોનું થઇ રહ્યું છે મોંઘુ ?

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ મેટલ ડ્યુટી ઉપરાંત યુએસમાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદી શકે છે. તેઓ મંગળવારે અન્ય ઘણા દેશો પર પણ ટેરિફની જાહેરાત કરી શકે છે. જ્યારે પણ આવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. જો ટ્રમ્પ ટેરિફ વધારવાનો નિર્ણય લે છે, તો તેની અસર અમેરિકા પર પણ પડશે. ત્યાં ફુગાવો વધી શકે છે અને જો ફુગાવો વધે છે તો ફેડ રેટ કટને ફરીથી હોલ્ડ રાખી શકે છે.

રૂપિયામાં ઘટાડો

વૈશ્વિક પરિબળો ઉપરાંત રૂપિયામાં નબળાઈને કારણે સ્થાનિક સ્તરે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. સોમવારે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે ખુલ્યો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 87.43 પર બંધ થયો હતો, જે 49 પૈસા ઘટીને 87.92ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. જે શુક્રવારે 87.43 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.