જો તમે સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો , તમારા માટે આ સમાચાર ખાસ છે. કારણ કે ધૂળેટી પર્વના એક દિવસ પહેલા સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સોનુ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયુ છે. MCX જ નહી પણ સ્થાનિક માર્કેટમાં પણ સોનાનો ભાવ આભ આંબી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આજે કેટલો છે સોનાનો ભાવ .
સોનાના ભાવ આસમાને
દેશમાં હોળી પર્વ પર સોનામાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે 13 માર્ચ ગુરુવારે 4 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થતા સોનામાં વાયદાના વેપારની શરૂઆત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અથવા MCX પર તેજી સાથે થઈ અને તે ખુલતાની સાથે જ સોનાનો ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. સોનાના વાયદાના ભાવ લગભગ 200 રૂપિયા વધીને 86,875 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા જે લાઇફ ટાઇમ હાઇ છે.
આ અઠવાડિયે વધ્યા સોનાના ભાવ
આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમવાર, 10 માર્ચના રોજ સોનાનો ભાવ 85,419 રૂપિયા હતો, જે હવે વધીને 86875 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જો આ રીતે જોઈએ તો માત્ર ચાર દિવસમાં સોનાના ભાવમાં 1456 રૂપિયાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે પ્રતિ ઔંસ $2944 પર પહોંચી ગયો છે.
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| દિલ્હી | 80,810 | 88,140 |
| ચેન્નાઇ | 80,660 | 87,990 |
| મુંબઇ | 80,660 | 87,990 |
| કોલકાતા | 80,660 | 87,990 |
| અમદાવાદ | 81,250 | 88,630 |
દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









