- ઇઝરાયલ-હમાસ હુમલા બાદ સોનાના ભાવમાં 2900નો વધારો
- 10 ગ્રામ સોનાના ભાવ રૂ. 61,500 સુધી પહોંચ્યા
- વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધતા ઘર આંગણે મોંઘુ
તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતું સોનાના ભાવ પર ઇઝરાયલ-હમાસના યુદ્ધનું ગ્રહણ જોવા મળ્યું છે. દિવાળીના તહેવારો નજીક છે લોકો ધનતેરસ પર સોનાની ખરીદી કરે છે ત્યારે આ વખતે સોનાના ભાવએ લોકોના ખીસ્સા પર અસર કરશે. ઇઝરાયલ-હમાસના હુમલા બાદથી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ અંદાજે રૂ. 2,900 જેવો વધારો થયો છે. લડાઈ યથાવત રહેશે તો હજુ વધી શકે ભાવ વધવાની શક્યાતા સેવાઈ રહી છે.
સોનામાં સતત ભાવ વધારો
અગાઉ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કીમતી ધાતુઓના ભાવમાં પણ ઘટાડો થઇ રહ્યો હતો તેવા સમયે પેલેસ્ટાઇનના આતંકી સગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કરતા વૈશ્વિક પરિબળોને અસર થઈ છે અને તેના કારણે લગભગ એક સપ્તાહથી સોનામાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે.
જ્વેલર્સના જણાવ્યા મુજબ આ લડાઈ ચાલુ રહેશે તો ગોલ્ડના ભાવમાં ઓર વધારો થઇ શકે છે. અમદાવાદમાં 6 ઓક્ટોબરના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,600 પ્રતિ 10 ગ્રામ હતો જે 14 ઓક્ટોબરે વધીને રૂ. 61,500 થઇ ગયો છે. જ્યાં સુધી આ તણાવ રહેશે ત્યાં સુધી કીમતી ધાતુઓમાં ભાવ વધારો થતો રહેશે. વૈશ્વિક બજારોમાં પણ સોનામાં અવિરત તેજી આવતા ભાવ ધીમે ધીમે 2000 ડોલર પ્રતિ ઓંસની નજીક આવી રહ્યા છે. 14 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડ 1,933 ડોલર પ્રતિ ઓંસ ટ્રેડ થયું હતું.
સોના-ચાંદીમાં જબરદસ્ત ઉછાળો
શુક્રવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી માટે સોનાની કિંમત MCX એક્સચેન્જ પર 2.58 ટકા અથવા 1497 રૂપિયાના જંગી ઉછાળા સાથે 59,415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. શુક્રવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે MCX પર 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી માટે ચાંદી 3.32 ટકા અથવા 2294 રૂપિયાના વધારા સાથે 71,368 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ કિંમતોમાં વધારો થયો
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ સોનામાં વધારો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયું હતું. ત્યાર બાદ 7 માર્ચ 2022ના રોજ સોનાની સ્થાનિક કિંમતોમાં આશરે રૂ. 1000/10 ગ્રામનો વધારો થયો હતો. 22 કેરેટ સોનાની કિંમત રૂપિયા 49,400/10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 53,890/10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
2021 અને 2022માં મજબૂત તેજી બાદ સોનાએ આ વર્ષે અત્યાર સુધી ઓછો દેખાવ કર્યો છે. સેન્કટમ વેલ્થના ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના વડા અલેખ યાદવે જણાવ્યું હતું કે, ઇક્વિટીમાં મજબૂત તેજી અને આકર્ષક બોન્ડ યીલ્ડનું પણ સોના પર વજન હતું કારણ કે રોકાણકારો સોનામાંથી અન્ય ધાતુઓ તરફ વળ્યા હતા. જો કે, હવે ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના મુદ્દા અને ભૌગોલિક રાજકીય જોખમોમાં વધારાને કારણે અમને લાગે છે કે સોના તરફ રોકાણકારોનું આકર્ષણ વધશે. તેમણે કહ્યું હતું કે સોનાએ સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય જોખમો અને ઇક્વિટી વોલેટિલિટી સામે સારા બચાવ તરીકે કામ કર્યું છે. પોર્ટફોલિયો વૈવિધ્યતા વધારવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે સોનાને મુખ્યત્વે વિશ્વસનીય વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે.









