સોમવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલને લઈને મોટા સમાચાર આવ્યા છે,  સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. એક તરફ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સરકારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આ પછી એવી આશંકા હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે, પરંતુ રાહતની વાત એ છે કે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની સાથે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેની સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં થયેલા ઉતાર-ચઢાવ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.

એક્સાઇઝ ડ્યુટી શું છે?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવતો ટેક્સ છે, જે ઇંધણના ભાવનો મોટો ભાગ બનાવે છે. હાલમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર 19.90  રૂપિયા છે. ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી લગભગ 15.80  રૂપિયા પ્રતિ લિટર છે. નોંધનીય છે કે 2014 માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 9.48 રૂપિયા પ્રતિ લિટર હતી અને ડીઝલ પર તે 3.56 રૂપિયા પ્રતિ લિટર હતી, જે પાછળથી ઘણી વખત વધારવામાં આવી હતી.

તો શું વધી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ !

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હોવા છતાં, તેણે ગ્રાહકો પર તેની અસર થવાની વાતનો ઇનકાર કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એક્સાઇઝ ડ્યુટી દરમાં વધારા પછી, પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો ન કરવા કહેવામાં આવ્યું છે.

https://twitter.com/PetroleumMin/status/1909186067334361590

2022માં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી

મહત્વનું છે કે  વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ₹ 27.90 અને ₹ 21.80 પ્રતિ લિટર હતી. મે 2022 માં કેન્દ્ર સરકારે રાહત તરીકે પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા અને ડીઝલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ આ જ દરો લાગુ થયા હતા. હાલમાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો મૂળ ભાવ લગભગ 32 રૂપિયા છે. કેન્દ્ર સરકાર આના પર એક્સાઇઝ ડ્યુટી તરીકે 33 રૂપિયા વસૂલ કરી રહી છે અને બાદમાં વિવિધ રાજ્ય સરકારો પોતાના દરો મુજબ વેટ અને સેસ વસૂલ કરે છે, જેના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ ત્રણ ગણા સુધી વધે છે.