- છેલ્લા 4 વર્ષથી 2000ની નોટ છાપવાનું બંધ
- લોકોને નોટ બદલવા અપાયો પૂરતો સમય
- હાલ રૂ. 3.62 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રૂ. 2000ની નોટ પાછી ખેંચશે. જોકે સાથે જ બેન્કે એમ પણ જણાવ્યું હતું કે, આ નોટની માન્યતા રદ્દ કરવામાં આવી નથી અને લીગલ ટેન્ડર તરીકે તે ચાલુ રહશે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી રૂ. 2000ની નોટ માર્કેટમાં ઓછી મળી રહી હતી. રિઝર્વ બેન્કે લગભગ છેલ્લા 4 વર્ષથી નોટ છાપવાનું બંધ કરી દીધું છે.
30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં ચાલશે
શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ક્લીન નોટ પોલિસીના અનુસંધાનમાં, રૂ. 2000 મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રૂ. 2000 મૂલ્યની બેન્ક નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. સમયબદ્ધ રીતે કવાયત પૂર્ણ કરવા અને જનતાને પર્યાપ્ત સમય પૂરો પાડવા માટે, તમામ બેંકોએ 30 સપ્ટેમ્બર, 2023 સુધી નોટો સ્વીકારવા કહેવામાં આવ્યું છે.

નોટ બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે
લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે 5 મહિના સુધી નોટ બદલી શકશે.
નોટ ઈસ્યૂ નહીં કરવા RBIની સૂચના
તેમજ બેન્કોને 2000ની નોટ ઈસ્યૂ નહીં કરવા RBIની સૂચના આપવામાં આવી છે. જો વાત કરીએ રૂ. 2000ની નોટની તો છેલ્લા ઘણા સમયથી ATMમાંથી મળવાની જ બંધ થઈ હતી. તેમજ આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો. તેના પર સરકારે કહ્યું હતું કે લાંબા સમયથી કોઈ પ્રિન્ટ નથી. રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં 2000 રૂપિયાની નોટ વિશે ઘણી માહિતી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટી ગયું છે.
આ રીતે ચલણી નોટ એક્સચેન્જ કરાવી શકાશે
તે સાથે હવે આ નોટ કોઈપણ વ્યવહાર તરીકે આપી શકાશે નહીં. જો કે સરકારે એકદમ જ આ નોટબંધી કરી નથી. પરંતુ આ વખતે આ માટે સરકારે પૂરતો સમય આપ્યો છે. તેમજ એક વારમાં દૈનિક રૂ. વીસ હજારની મર્યાદામાં બે હજારની ચલણી નોટ એક્સચેન્જ કરાવી શકાશે. તેમજ અન્ય બેન્કમાં પણ ખાતેદાર નોટ જમાવી કરાવી શકાશે. તેમજ એક્સચેન્જ માટે કોઈપણ પ્રકારની ફ્રી પણ આપવાની રહેશે નહીં.
સિનિયર સિટીઝન, દિવ્યાંગ વ્યક્તિ માટે અલગ વ્યવસ્થતા
જો તમે બેંકમાં રૂ. 2000ની નોટ જમા કરાવા જઈ રહ્યા છો તો તે માટે પણ સરકારે દરેક બેંકની શાખાએ સિનિયર સિટીઝન અને દિવ્યાંગ વ્યક્તિ માટે અલગ વ્યવસ્થતા કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જો સમયસર જમા નહી કરો તો ગેરકાયદેસર ગણાશે
જો નિશ્ચિત સમયમાં 2000ની નોટ જમા કરાવામાં આવે તો તે ગેરમાન્ય ગણાશે. તેમજ આ નોટ રાખવી ગુનો ગણાશે. તેમજ જો કોઈ બેંક 2000ની નોટ સ્વીકારવાનો કે એક્સચેન્જ કરવામાનો ઈનકાર કરે તો તેની ફરિયાદ જે-તે બેંક અને ત્યારબાદ રિઝર્વ બેંકના ઓમ્બડ્સમેનને 30 દિવસમાં કરવાની રહેશે.
હાલ રૂ. 3.62 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં
આ પગલાને સમજાવતા, RBIએ કહ્યું હતું કે, રૂ 2000ની લગભગ 89% નોટ માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને તે 4-5 વર્ષના અંદાજિત જીવનકાળના અંતે છે. 31 માર્ચ, 2018 સુધીમાં રૂ. 2000ની કુલ રૂ. 6.73 લાખ વેલયુની નોટો સર્ક્યુલેશનમાં હતી અને ભારતના ચલણી નોટોના કુલ સર્ક્યુલેશનમાં રહેલી નોટોમાં તેનો હિસ્સો 37.3% હતો. જોકે, 31 માર્ચ, 2023ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય ઘટીને રૂ. 3.62 લાખ કરોડ થઈ ગયું છે જે કુલ સર્ક્યુલેશનના માત્ર 10.8% જ છે.
2019-20 નોટ છાપવાનું બંધ છે
રિઝર્વ બેન્કે એક રિપોર્ટમાં કહ્યું હતું કે, 2019-20 બાદથી રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે બજારમાં આ નોટ ઓછી દેખાઈ રહી છે. RBIના જણાવ્યા અનુસાર, જ્યારે અન્ય ચલણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ જાય ત્યારે રૂ. 2,000ની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો હતો તેના કારણે નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું.









