જીએસટી કલેક્શન મે મહિનામાં 16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. રવિવારે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયા હતુ જે અત્યાર સુધીનું સૌથી હાઈ કલેક્શન હતું.
મે મહિનામાં ઘરેલું લેણદેણથી કુલ જીએસટી કલેક્શન 13.7 ટકા વધીને લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. જો કે આયાતથી જીએસટી કલેક્શન 25.2 ટકા વધીને 51,266 કરોડ પર પહોંચ્યું. મે મહિનામાં કુલ કેન્દ્રીય જીએસટી 35,434 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી 43,902 કરોડ રૂપિયા અને એકીકૃત જીએસટી કલેક્શન 1.09 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. મે, 2024માં જીએસટી કલેક્શન 1,72,739 કરોડ રૂપિયા નોંધાયું હતું.
આ તમામની વચ્ચે કુલ રિફંડ ચાર ટકા ઘટીને 27,210 કરોડ રૂપિયા થયું. મે મહિના દરમિયાન શુદ્ધ જીએસટી કલેક્શન 20.4 ટકાના વાર્ષિક વધારા સાથે 1.74 લાખ કરોડ રૂરિયા નોંધાયું હતું. ડેલોયેટ ઈન્ડિયાના ભાગીદાર એમ એસ મણીએ જણાવ્યું હતું કે રાજ્યોમાં જીએસટી કલેક્શનના વધારાના આધારે વ્યપારમાં ઘણુ અંતર જોવા મળી રહ્યું છે. જેથી દરેક રાજ્યમાં આવા ક્ષેત્રોમાં એનાલિસિસ કરવાની જરૂર છે.
મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોના કલેક્શનમાં 17 ટકાથી લઈને 25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા મોટા રાજ્યોમાં 6 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી હતી. મધ્યપ્રદેશ, હરીયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.